
અમરેલી,, 26 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન પડેલા સારા અને સમયસર વરસાદના કારણે શિયાળુ (રવિ) વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કૃષિ વિભાગના આંકડા મુજબ જિલ્લામાં ગત વર્ષની તુલનામાં કુલ 21,413 હેક્ટર જેટલું વધારાનું શિયાળુ વાવેતર થયું છે. વરસાદથી જળસ્તર સુધરતાં તેમજ તળાવો, ચેકડેમ અને નદી-નાળાઓમાં પૂરતું પાણી સંગ્રહ થતાં ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે.
ખાસ કરીને ઘઉં, ચણા, જીરૂ, ડુંગળી, લસણ તેમજ ચારો જેવા પાકોના વાવેતરમાં વધારો થયો છે. અગાઉ જ્યાં પાણીની અછતને કારણે ખેડૂતો સંકોચ અનુભવી રહ્યા હતા, ત્યાં આ વર્ષે પરિસ્થિતિ અનુકૂળ બનતાં વધુ જમીન ખેતી હેઠળ લાવવામાં આવી છે. સિંચાઈ સુવિધાઓમાં સુધારાથી અને જમીનમાં પૂરતી ભેજ રહેતાં પાક વિકાસ માટે સારો માહોલ સર્જાયો છે.
અમરેલી જિલ્લાના કૃષિ અધિકારીઓના જણાવ્યા મુજબ જો હવામાન અનુકૂળ રહેશે તો આવનારા દિવસોમાં ઉત્પાદન પણ નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. શિયાળુ વાવેતરમાં થયેલા આ વધારાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે જિલ્લામાં કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai