
પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : પાટણમાં ભારતીય ભૂમિસેનાના શારીરિક પ્રશિક્ષણ અધિકારી કર્નલ નીતિન જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી ભરતીમાં થતી છેતરપિંડી અને ભ્રષ્ટાચારથી યુવાનો તથા વાલીઓને સાવચેત કર્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે આર્મી, એરફોર્સ અને પોલીસની ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે.
કર્નલ જોશી સેનામાં શારીરિક પ્રશિક્ષણ અધિકારી તરીકે સેવા આપતા એકમાત્ર ગુજરાતી અધિકારી છે. માતૃભૂમિ પ્રત્યેના લગાવથી તેમણે પાટણમાં ‘જોશ શારીરિક પ્રશિક્ષણ એકેડમી’ શરૂ કરી છે, જ્યાં નિવૃત્ત જવાનો દ્વારા તાલીમ અને સેવા ટ્રસ્ટ દ્વારા પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.
ભરતીની તારીખો જાહેર થતાં જ લાંચિયા તત્વો સક્રિય થઈ યુવાનો પાસેથી મોટી રકમ માંગે છે. તેઓ થોડા ઉમેદવારો પાસ થવાથી વિશ્વાસ જીતે છે અને ક્યારેક ડુપ્લિકેટ હોલ ટિકિટ આપી પણ છેતરપિંડી કરે છે. કર્નલ જોશીએ ખેતર ગીરે મૂકીને કે દેવું કરીને પૈસા ન આપવા અપીલ કરી. કોઈ સેવારત કે નિવૃત્ત કર્મચારી ભરતી અપાવવાની લાલચ આપે તો જિલ્લા કલેક્ટર અથવા કર્નલ જોશીનો તરત સંપર્ક કરવા જણાવ્યું, તેમજ સરકાર કડક કાર્યવાહી માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ