
જામનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની જન્મ અને મરણ નોંધણી શાખામાં સર્ટીફીકેટ કાઢી આપવાની સેન્ટ્રલાઈઝ સિસ્ટમ શરુ થઈ ગઈ છે. પરંતુ વર્ષ 2019થી 2025 સુધીનો રાજ્ય સરકારના ઈ-ઓળખ પોર્ટલનો ડેટા અપલોડ ન થયો હોવાથી આ વર્ષોના જન્મના દાખલા નીકળી શકતા નથી, તેથી લોકો હાલાકીમાં છે. ખાસ કિસ્સા તરીકે તંત્ર મૃત્યુના દાખલા કાઢી આપે છે. આ ગંભીર પ્રકારની હાલાકીના મુદ્દે વિપક્ષી ઉપનેતા દ્વારા મ્યુ. કમિશનરને લેખિત રજુઆત કરીને સ્થિતિ સુધારવાની માંગણી કરવામાં આવી છે.
વિપક્ષી ઉપનેતા રાહુલભાઈ બોરીયાએ મ્યુ.કમિશનર ડી.એન. મોદીને લેખિત રજુઆત કરીને જણાવ્યું છે કે, કોર્પો.ની હદમાં રહેલી તમામ હોસ્પિટલોમાં અથવા ઘરે વર્ષ 2019થી 2025ના સમયગાળામાં જન્મેલા બાળકોના જન્મનો દાખવો મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખા દ્વારા કાઢી આપવામાં આવતો નથી. અધિકારીઓ જણાવે છે કે, 2019થી 2025 દરમિયાન જન્મેલાઓનું પ્રમાણપત્ર ઈ.ઓળખ પોર્ટલ ઉપર નોંધાયેલું હતું અને હાલ આ પોર્ટલનો ડેટા સેન્ટ્રલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ ઉપર ટ્રાન્સફર થઈ રહ્યો છે.
તેથી છેલ્લા એક માસથી આ વર્ષો દરમિયાન જન્મેલા બાળકોના દાખલા કાઢી આપવાનું બંધ છે. કેટલા સમયમાં આવા દાખલા કાઢી આપવામાં આવશે. તેનો કોઈ નિર્ધારિત સમય જાહેર કરવામાં આવ્યો નથી. આઈએએસ અધિકારી અને વહિવટી વડા હોવાની રૂએ તેમજ બાબત સેન્ટ્રલ લેવલની હોવાના કારણે આ વિષયમાં ગંભીર રસ લઈને પૂન સ્થાપીત થાય, અથવા આ સમયગાળા દરમિયાન જન્મેલાઓ માટે દાખલા મેળવવાની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવે. જેથી પ્રજાની હલાકી ઘટે. તેમ વિપક્ષી ઉપનેતાએ રજુઆતના અંતે જણાવ્યું છે.
મહાનગરપાલિકાના રજિસ્ટ્રરએ જણાવ્યું હતું કે, જામનગર એકનો પ્રશ્ન નથી આખા રાજ્યભરનો પ્રશ્ન છે.વર્ષ ર019થી રપનો દરેક કોર્પોરેશનોનો ડેટા ઈ-ઓળખ પોર્ટલમાંથી સેન્ટ્રલ રજીસ્ટ્રેશન સિસ્ટમમાં તબદીલ થાય છે. તેથી સમસ્યા સર્જાઈ છે. આ આખા રાજ્યના બધા કોર્પોરેશનોનો પ્રશ્ન છે. મહિના જેટલો હજી સમય લાગી શકે છે. તંત્ર દ્વારા ઈમર્જન્સીમાં આ સમયગાળામાં થયેલા મૃત્યુના મૃતકોના દાખલા કાઢી આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt