
જામનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : છેવાડાના માનવી સુધી સરકારની તમામ સુવિધાઓ પહોંચી હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ નવાગામ. આશરે 2300 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ નાનકડાં એવા ગામમાં પ્રવેશ કરતાની સાથે જ પ્રકૃતિના સૌંદર્ય સાથે મેળાપ થાય. પ્રાકૃતિક સૌંદર્યના અદભૂત નજારા સાથે નવાગામ સુવિધાઓથી પણ એટલું જ ભરપૂર. છેલ્લા 22 વર્ષની અંદર અંહી સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
સામાન્ય રીતે કોઈ ગામડામાં પ્રવેશ કરીએ એટલે માર્ગમાં ધૂળના ઢેફાં અને પથ્થરો જોવા મળે પરંતુ અહી તો સી. સી. રોડ, પેવર બ્લોક અને બસની સુવિધા સાથે જ નદી કિનારે 5000થી પણ વૃક્ષો. આ વૃક્ષો વર્ષો પહેલા ગામના એક સંત દ્વારા ઉછેરવામાં આવ્યા હતા. જેના છાંયડાનો લાભ વટેમાર્ગુઓ તેમજ ગ્રામજનો સાથે પશુ પક્ષીઓને પણ મળે છે.
ગુજરાત સરકાર દ્વારા 22 વર્ષ દરમિયાન અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. તેનો લાભ ન માત્ર શહેરોમાં પરંતુ ગામડાઓ સુધી પહોંચી રહ્યો છે. નવાગામમાં સરકારી તમામ સુવિધાઓ જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનું, સી. સી. રોડ, ભૂગર્ભ ગટર, બેન્કો, ડેરી, આંગણવાડી, સ્કૂલ ઓફ એકસેલેન્સમાં સમાવેશ થયેલ સરકારી શાળા, 108 થી વધુ ચેકડેમની સુવિધા, એમ્બ્યુલન્સની સુવિધા, અન્ય શહેરોથી ગામડાના લોકો જોડાય તે માટે એસ.ટી. બસની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.
નવાગામના ખેડૂતો મુખ્યત્વે મગફળીના પાકનું વાવેતર કરે છે. દૂધની ડેરીઓ આવેલી હોવાથી માલધારીઓ સરળતાથી ડેરીમાં દૂધ આપીને નફો મેળવી શકે છે. બહેનો માટે સખી મંડળો હોવાથી ગામડાંની મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે. પ્રકૃતીથી ઘેરાયેલા નવાગામમાં નાના મોટા મંદિરો, સુંદર નદી કિનારે 5000 જેટલા વડના વૃક્ષો આવેલા હોવાથી સહેલાણીઓ પણ અહિયાં આવે છે.
ગામના સરપંચ રહી ચૂકેલ સંજયભાઈ ચોવટીયા દ્વારા નવાગામના વિકાસ માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. કાલાવડ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ નાનકડું એવું આદર્શ નવાગામ ભલે ગામડું હોય પરંતુ પ્રકૃતિની વચ્ચે અને સરકારની તમામ સુવિધાઓથી ભરપૂર ગ્રામજનોની જીવન શૈલીને જોઈને એક વખત તો સૌ કોઇની નજર ગામડામાં થંભી જાય તેવું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt