
જામનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે નાતાલની રાતે મોટાપાયે ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકા ઊભી થઈ હતી. આ માહિતી મળતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, આ ત્યા હાજર લોકો ત્યાથી ભાગી છૂટ્યા હતા. બીજી તરફ પોલીસે ધર્મ પરિવર્તનની શંકાને નકારી છે. કાર્યકરોને ક્રિશ્ચિયન મિશનરીની એમપી પાસિંગની બે ફોર વ્હીલર ગાડીઓ સાથે આવેલા લોકોની શંકાસ્પદ ભૂમિકા જણાઈ હતી. સ્થળ પર કેક કટિંગ, બાઇબલ સાથેનો ધાર્મિક કાર્યક્રમ અને ત્યારબાદ જમણવાર ચાલી રહ્યો હતો. વીએચપી અને બજરંગ દળના કાર્યકરો પહોંચતા જ ત્યાં હાજર લોકો ભાગી છૂટ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ખેત મજૂરો અને પરપ્રાંતિય મજૂરોને ભોજન માટે તેમજ આ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે શંકાસ્પદ જણાતા કેટલાક લોકોને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સ્થળે એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસ દળ હાજર રહ્યું હતું. ઇન્ચાર્જ એસપી પ્રતિભા પણ પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
ઇન્ચાર્જ એસપી પ્રતિભા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ખેત મજૂર ક્રિશ્ચિયન હતો. નાતાલનો તહેવાર હતો. જેથી તેઓએ તેના ઘરે બીજા લોકોને જમવા માટે બોલાવ્યાં હતા. હાલ તો ધર્મ પરિવર્તન જેવું નથી લાગી રહ્યું પણ પોલીસની ટીમ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt