
પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં વર્ષ 2015 ની સાલમાં એન.એસ.યુ.આઇ.ના રાજ્યના પૂર્વ ઉપપ્રમુખ અને તેના ભાઈ અને પિતા સામે મારામારીનો ગુન્હો નોંધાયો હતો. આ કેસ ચાલી જતા ત્રણેને કોર્ટે છ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. પોરબંદરમાં એક મારામારીના કેસ માં ગુજરાત એન. એસ. યુ. આઈ.ના પૂર્વ ઉપ પ્રમુખ તેના ભાઈ અને તેના પિતા ને કોર્ટે સજા ફટકારી છે આ શખ્સો એ લગભગ દસક વર્ષ પૂર્વે જમીનના મનદુઃખ ને લઈને મારામારી કરી હતી ત્યારે કોર્ટે સજા ફટકારતા ચકચાર મચી ગઈ છે.
રાણાવાવ ખેતીવાડી બેન્કના ચેરમેન કિશોરભાઈ ભૂતિયા પર જમીનના મનદુઃખમાં હુમલો થયો હતો જે મામલે તેઓએ તા 31-1-2015 ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુજરાત એન. એસ. યુ. આઈ.ના પૂર્વ ઉપ પ્રમુખ, તેમજ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ મંત્રી એવા તીર્થરાજ બાપોદરા તેના પિતા ખીમા કાંધા બાપોદરા અને તીર્થરાજના ભાઈ ભગીરથ સામે બેઝબોલના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે રાજીવનગરમાં કાંધાબાપાના ચોકમાં રહેતા ખીમા કાંધા બાપોદરાએ કિશોરભાઈ ભુતીયાના સસરાની વડવાળા ગામે ખેતીની જમીન બાબતનું મનદુઃખ રાખી કિશોરભાઈ જયારે પોતાની કાર લઈને પોતાના ઘરે જતા હતા અને ખીમાભાઈના ઘર પાસેથી નીકળતા હતા ત્યારે ખીમા સહિતનાઓ એ તેની ગાડી રોકાવી વડવાળા ગામે જમીનમાં પગ ન મુકવા ધમકી આપી અને બેઝબોલના ધોકાથી માર માર્યો હતો તેમજ મુંઢમાર મારી કિશોરભાઈ ના કારના કાચમાં ધોકા મારી નુકશાન કર્યું હતું. જે કેસ કોર્ટ માં ચાલી જતા ફરીયાદી તરફે એડવોકેટ જે જે હાથલિયા અને સરકારી વકીલ એમ. બી. જાડેજા ની ધારદાર દલીલો બાદ એડીશ્નલ સીનીયર સિવિલ જજે એ એ. શેખે ત્રણેય શખ્સોને 6 માસની સજા ફટકારી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya