
વોશિંગ્ટન, નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ફરી એકવાર ઈરાન સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન પોતાનો બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા બીજો લશ્કરી હુમલો કરી શકે છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાત પહેલાં, મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, અમને એવા અહેવાલો મળી રહ્યા છે કે ઈરાન ફરીથી પોતાના કાર્યક્રમને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો આવું થશે, તો આપણે તેને ફરીથી રોકવું પડશે. અમે કડક પગલાં લઈશું.
ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને ફરીથી વિકસાવવા માટે પગલાં લેશે, તો અમેરિકા તાત્કાલિક હુમલાનો જવાબ આપશે. તેમણે ઈરાનને સલાહ આપી કે, મુકાબલો કરવા કરતાં અમેરિકા સાથે સમાધાન કરવું વધુ સમજદારીભર્યું રહેશે.
રાષ્ટ્રપતિએ કહ્યું, તેમના માટે સમાધાન કરવું વધુ સારું રહેશે. તેમની પાસે પહેલા તક હતી, પરંતુ તેઓએ તેમ કર્યું નહીં, અને પછી તેઓએ મોટા હુમલાનો સામનો કરવો પડ્યો.
નોંધનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં, અમેરિકાએ ત્રણ ઈરાની પરમાણુ સુવિધાઓ પર બોમ્બમારો કર્યો હતો, જેને ટ્રમ્પે એક મોટી લશ્કરી સફળતા ગણાવી હતી. તાજેતરના અઠવાડિયામાં, ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે, ઈરાન ફરી એકવાર તેના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમનો વિસ્તાર કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, નેતન્યાહૂ ટ્રમ્પને આ મુદ્દા પર વધુ કડક પગલાં લેવા વિનંતી કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ