
જામનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના વાતાવરણમાં આવેલા ફેરફારો અને હવામાન વિભાગ દ્રારા કમોસમી વરસાદની આગાહીના પગલે જામનગર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્રારા સલામતીના ભાગરૂપે યાર્ડમાં આજથી બે દિવસ વિવિધ જણસીની આવક બંધ રાખવાની જાહેરાત કરી છે.
ગત ચોમાસું વિદાય લીધા બાદ દિવાળી પછી કમોસમી વરસાદ પડ્યો હતો અને ખરીફ પાકનો સોંથ વાળી દીધો હતો, હવે ખેડૂતોએ રવિપાકનું વાવેતર કર્યું છે ત્યાં આવતીકાલે ફરી માવઠું ત્રાટકવાની હવામાન વિભાર્ગે આગાહી કરી છે.
આમ પણ ડિસેમ્બર મહિનો પૂરો થવા સાથે આવતીકાલે વર્ષ 2025નો પણ અંતિમ દિવસ છે, ને હજુ શિયાળો જામ્યો નથી. મોડી રાત્રે અને સવારે હળવી ઠંડી અને બપોરે કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે, તેમાં હવે વરસાદ સાથે ઋતુનો ત્રિવેણી સંગમ થાય તેવી આગાહી કરવામાં આવી છે.
જામનગરના વાતાવરણમાં આજે પરોઢિયાથી પલટો જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યદેવના દર્શન પણ સવારે નવ વાગ્યા સુધી દીધા ન હતા. ધાબળિયું વાતાવરણ રહેતા ખેડૂતોના માથે ચિંતા ના વાદળો ઘેરાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચાલુ સપ્તાહમાં હજુ કડડતી ઠંડીની શક્યતા નથી, પણ આજે તા. 31મીએ બુધવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, દ્વારકા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત જામનગર માર્કેટિંગ યાર્ડમાં વેપારી અને ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે માર્કેટિંગ યાર્ડમાં અનાજ અને ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા તેમજ અહીં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયું છે.
જે સુચનાને પગલે જામનગર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ના સેક્રેટરી દ્રારા કમોસમી માવઠાની અગાહીની ચેતાવણીના લીધે બે દિવસ યાર્ડમાં મગફળી સહિતની આવકોને બંધ કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે.ખેડૂતોએ પોતાની જળસીઓના વેચાણ માટે બે દિવસ આવવું નહિ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt