
જામનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં રૂ.1.10 કરોડના ચેક રિટર્નના ચકચારભર્યા કેસમાં બે વર્ષની સજા અને ચેકની રકમ જેટલા બમણો દંડ ભરવા અંગેના જામનગર સેશન્સ કોર્ટના હુકમ સામે ઘાયલ, દામિની, અંદાજ અપના અપના જેવી હીટ ફિલ્મોના જાણીતા ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીએ જામીનની શરતો હળવી કરી વિદેશ જવાની પરવાનગી માંગતી અરજી કરતા ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત આપી હતી. તેમની આગામી ફિલ્મ લાહોર 1947ના પ્રમોશન માટે તા.30 ડિસેમ્બરથી તા.4 જાન્યુઆરી દરમ્યાન વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી.
ચેક રિટર્નના એક કેસમાં ટ્રાયલ કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા અને 30 દિવસની અંદર ફરિયાદીને ચેકની રકમના બમણા દંડની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરી અગાઉ કુલ રૂ.88 લાખ જમા કરાવવાની હૈયાધારણા આપવામાં આવતા હાઇ કોર્ટે સંતોષીને ફટકારાયેલી બે વર્ષની સજાનો હુકમ મોકૂફ રાખ્યો હતો અને તેમને શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો.
હાઇકોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોમાં અદાલતની પરવાનગી વિના ભારત છોડી શકશે નહીં અને બાંહેધરી મુજબની રકમ જમા કરાવી ટ્રાયલ કોર્ટને તેની જાણ કરવી પડશે. તેથી રાજકુમાર સંતોષીએ જામીનની શરતો હળવી કરવા અને બાકી રહેલી રકમ જમા કરાવવા માટે આઠ સપ્તાહનો સમય માંગતી અરજીઓ દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, અરજદારને આગામી તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ લાહોર 1947ના પ્રમોશનલ ઇવેન્ટ માટે વિદેશ પ્રવાસ કરવાની જરૂર છે.
અને તેથી સજા સ્થગિત કરતી વખતે લાદવામાં આવેલી શરતમાં ફેરફાર કરવા અને અરજદારને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવે. સાથે સાથે બાકી રહેલી રૂ.35 લાખની રકમ જમા કરાવવા આઠ સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હતો.
જો કે, મૂળ ફરિયાદપક્ષ તરફથી સંતોષીની અરજીઓનો વિરોધ કરાયો હતો કે, તેમણે અદાલત સમક્ષ આપવામાં આવેલી બાંહેધરીનું સાચા અર્થમાં પાલન કર્યું નથી અને તેથી કોર્ટે અરજીઓમાં કોઇ રાહત આપવી જોઈ એ નહીં. જો કે, તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ અરજીઓની સુનાવણીના અંતે જસ્ટિસ પી.એમ. રાવલે રાજકુમાર સંતોષીને વિદેશ જવાની પરવાનગી આપી હતી અને બાકી રહેલા રૂ.35 લાખ જમા કરાવવા માટે તા.31-1-2026 સુધીનો સમય આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt