
જામનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : રાજકોટની પરણીતાને લગ્નની લાલચ આપી જામનગરના એક શખ્સે કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપી મારામારી કર્યા કિસ્સો સામે આવ્યો છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુન્હો નોંધી આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
મૂળ રાજકોટના ભગવતીપરા સુખસાગર સોસાયટીની વતની અને હાલ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ ગ્રીન સિટી વિસ્તારમાં રહેતી સીમાબેન કાંતીભાઇ ઘાવરી નામની 30 વર્ષીય પરિણીતાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દિલીપ કિશોર સોલંકી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર પરિણીતાને તેના પતિ રાજેશભાઇ સાથે અવારનવાર ઝઘડો થતો હોવાથી જામનગરના શહેરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતાં દિલીપ કશિરોભાઇ સોલંકીના સંપર્કમાં આવી હતી.
બાદમાં મિત્રતાનો સંબંધ બંધાયો હતો. આરોપી તેણીની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી પરિણીતાને તે જામનગર લઈ આવ્યો હતો. જોકે આરોપીને લગ્ન ન કરવા હોવાથી ફરિયાદી મહિલા ફરી રાજકોટ પોતાના માતા-પિતાના ઘરે પરત ચાલી ગઈ હતી અને ત્યાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાક્રમ બાદ આરોપી ફરી પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો અને તેણીને જામનગર લઈ આવ્યો હતો. જ્યાં પોતાના મિત્રના ઘરે રાખી હતી અને થોડા સમય બાદ કહ્યું હતું કે રાજકોટ ખાતે થયેલી ફરિયાદ પરત લેવા માટે જ તે ફરિયાદીને પરત લાવ્યો છે.
ફરિયાદીની સાથે રહેવા માંગતો નથી. આ મુદ્દે ઝઘડો કરી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું. જ્યાં વાણી વિલાસ અને ફડાકો ઝીંકી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt