
નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
ગુરુવારે ભારત આવી રહ્યા છે. તેઓ 4-5 ડિસેમ્બર સુધી, સત્તાવાર મુલાકાતે રહેશે. લગભગ 27 કલાકની આ
મુલાકાત દરમિયાન, પુતિન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 23મી ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં હાજરી આપશે. પુતિન
ચાર વર્ષના અંતરાલ પછી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 2021 માં, તેઓ ભારત-રશિયા
વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નવી દિલ્હી ગયા હતા.
રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતના સમયપત્રક મુજબ, પુતિનનું વિમાન
આજે સાંજે 6:35 વાગ્યે દિલ્હીના
પાલમ એરપોર્ટ પર પહોંચશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત શુક્રવાર, 5 ડિસેમ્બરના રોજ
સવારે 11 વાગ્યે
રાષ્ટ્રપતિ ભવનમાં ત્રિ-સેવા ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવશે. સવારે 11:30 વાગ્યે, તેઓ રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ જશે.
આ પછી, સવારે 11:5૦ વાગ્યે, પ્રધાનમંત્રી મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન હૈદરાબાદ
હાઉસ ખાતે 23મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેશે. સંરક્ષણ, ઉર્જા, વેપાર, ટેકનોલોજી, અવકાશ અને
વ્યૂહાત્મક સહયોગ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર થવાની અપેક્ષા છે. બંને નેતાઓ
બપોરે 1:5૦ વાગ્યે સંયુક્ત નિવેદન બહાર પાડશે. બપોરે ૩:4૦ વાગ્યે, બંને નેતાઓ ભારત
મંડપમ ખાતે ભારત-રશિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરશે. તેઓ વ્યાપાર પ્રતિનિધિઓ સાથે
મુલાકાત કરશે.
આ પછી, સાંજે 7 વાગ્યે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના
સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે.
આ કાર્યક્રમો પછી, પુતિન તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરશે અને રાત્રે 9
વાગ્યે તેમના આગામી મુકામ માટે રવાના થશે.
હિન્દુસ્થાન સમાચાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ