
નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે
ભારત-રશિયા સંબંધોની તુલના ધ્રુવ તારા સાથે કરી, જે આકાશમાં એક જગ્યાએ સ્થિર રહે છે. તેમણે
કહ્યું કે,” બંને દેશો 2030 સુધી તેમના
આર્થિક સહયોગ કાર્યક્રમને આગળ વધારવા સંમત થયા છે. બંને દેશો યુરેશિયન
(એશિયા-યુરોપ) આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર કરવા તરફ આગળ વધી રહ્યા છે.”
પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે હૈદરાબાદ હાઉસ ખાતે રશિયન
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય શિખર મંત્રણા કરી. વાતચીત બાદ એક
સંયુક્ત પ્રેસ નિવેદનમાં,
પ્રધાનમંત્રીએ
કહ્યું કે,” છેલ્લા આઠ દાયકામાં, વિશ્વએ ઉતાર-ચઢાવ જોયા છે, અને માનવતાએ ઘણા પડકારો અને કટોકટીનો સામનો
કર્યો છે, પરંતુ ભારત અને
રશિયા વચ્ચેની મિત્રતા, ધ્રુવ તારાની જેમ, પરસ્પર આદર અને
ઊંડા વિશ્વાસ પર આધારિત છે અને હંમેશા સમયની કસોટી પર ખરી ઉતરી છે.”
બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે કરારો પર
હસ્તાક્ષર કર્યા. આ કરારોનું આદાન-પ્રદાન એક મીડિયા નિવેદન દરમિયાન કરવામાં
આવ્યું. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે,” ભારત ટૂંક સમયમાં રશિયન નાગરિકો માટે મફત 30-દિવસના પ્રવાસી
વિઝા અને જૂથ પ્રવાસી વિઝા રજૂ કરશે.”
પ્રધાનમંત્રીએ વિશ્વભરમાં, પુરવઠા શૃંખલાઓની સુરક્ષા અને
વિવિધતા સુનિશ્ચિત કરવા માટે દુર્લભ પૃથ્વી ખનિજોમાં બંને દેશોના સહયોગને
મહત્વપૂર્ણ ગણાવ્યો. તેમણે કહ્યું કે,” આ સ્વચ્છ ઉર્જા, ઉચ્ચ તકનીકી
ઉત્પાદન અને ભવિષ્યના ઉદ્યોગોમાં આપણી ભાગીદારીને ટેકો આપશે.”
પ્રધાનમંત્રીએ ઉર્જા સુરક્ષાને ભારત-રશિયા ભાગીદારીનો એક
મહત્વપૂર્ણ અને મજબૂત સ્તંભ ગણાવતા કહ્યું કે,” નાગરિક પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં
બંને દેશો વચ્ચે દાયકાઓ જૂનો સહયોગ, સ્વચ્છ ઉર્જાની આપણી સામાજિક પ્રાથમિકતાને
સાકાર કરવા માટે મહત્વપૂર્ણ રહ્યો છે.”
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે,” બંને દેશો ધ્રુવીય પાણીમાં
ખલાસીઓને તાલીમ આપવામાં સહયોગ કરશે. આનાથી આર્કટિકમાં આપણો સહયોગ મજબૂત થશે જ નહીં
પરંતુ ભારતીય યુવાનો માટે રોજગારની નવી તકો પણ ઉભી થશે. “તેમણે એ પણ ઉલ્લેખ કર્યો
કે,” આ વર્ષે ઓક્ટોબરમાં,
કાલ્મીકિયામાં
આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મંચ ખાતે લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના
આશીર્વાદ મેળવ્યા હતા.”
યુક્રેન સંઘર્ષ પર, પ્રધાનમંત્રીએ કહ્યું કે,” ભારત તેની સ્થાપનાથી જ શાંતિનું
સમર્થક રહ્યું છે. અમે આ મુદ્દાના શાંતિપૂર્ણ, કાયમી ઉકેલ માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોનું સ્વાગત
કરીએ છીએ. ભારત હંમેશા યોગદાન આપવા તૈયાર છે અને તેમ કરવાનું ચાલુ રાખશે.”
આતંકવાદ પર ફરી એકવાર મજબૂત વલણ વ્યક્ત કરતાં, પ્રધાનમંત્રીએ
આંતરરાષ્ટ્રીય સહયોગ માટે અપીલ કરતા કહ્યું કે,” ભારત અને રશિયા લાંબા સમયથી તેની
સામેની લડાઈમાં ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે. ભારત દ્રઢપણે માને છે કે,
આતંકવાદ માનવતાના મૂલ્યો પર સીધો હુમલો છે અને તેની સામે વૈશ્વિક એકતા આપણી સૌથી
મોટી તાકાત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આપણી મિત્રતા આપણને વૈશ્વિક
પડકારોનો સામનો કરવાની શક્તિ આપશે અને આ વિશ્વાસ આપણા સહિયારા ભવિષ્યને સમૃદ્ધ
બનાવશે.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ