
કોલકતા, નવી દિલ્હી, 6 ડિસેમ્બર (હિ.સ.). મુર્શિદાબાદ જિલ્લાના લઘુમતી બહુમતી ધરાવતા બેલડાંગા વિસ્તારમાં પ્રસ્તાવિત બાબરી મસ્જિદ માટે ₹300 કરોડનું બજેટ તૈયાર છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે, શનિવારે બપોરે મસ્જિદનો શિલાન્યાસ કરતી વખતે આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, અહીં બનનારી મસ્જિદ 6 ડિસેમ્બર, 1992 ના રોજ તોડી પાડવામાં આવેલી અયોધ્યાની મૂળ રચના પર આધારિત હશે.
કબીરે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, મસ્જિદની બાજુમાં એક શાળા અને હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. આસપાસના વિસ્તારમાં યાત્રાળુઓ માટે પાર્ક અને હોટલ પણ વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, બાબરી મસ્જિદ અહીં દરેક કિંમતે બનાવવામાં આવશે, અને કોઈ તેને રોકી શકશે નહીં કારણ કે તે લઘુમતી સમુદાયના સન્માનનો મામલો છે.
ધારાસભ્યનો દાવો છે કે, શુક્રવારે કોલકતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું કે, બેલડાંગામાં મસ્જિદ બનાવવાની તેમની પહેલ ખોટી કે ગેરબંધારણીય નથી. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકોએ તેમના માથા પર એક કરોડ રૂપિયાના ઇનામની વાત ફેલાવી છે, પરંતુ તેઓ કોઈપણ ધમકીઓને કારણે પાછા નહીં હટે.
કાર્યક્રમમાં તેમણે પુનરોચ્ચાર કર્યો કે, તેઓ 22 ડિસેમ્બરે તેમના નવા રાજકીય પક્ષની જાહેરાત કરશે અને તે જ દિવસે તેના પદાધિકારીઓના નામ પણ જાહેર કરશે. તે પહેલાં, તેઓ 8 ડિસેમ્બર, સોમવારના રોજ તેમના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે.
કબીરે અગાઉ જાહેરાત કરી હતી કે, તેમનો પ્રસ્તાવિત પક્ષ 2026 ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી કરી રહ્યો છે અને ખાસ કરીને લઘુમતી પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ