
નવસારી, 7 ડિસેમ્બર (હિ.સ.) : નવસારીના વિજય કોમ્પલેક્ષમાં આજે વહેલી સવારે અચાનક મીટર પેટીમાં લાગી ગયેલી આગને કારણે રહેવાસીઓમાં ગભરાટનું માહોલ સર્જાયો હતો. શાંતાદેવી નગરપાલિકા સ્કૂલ પાસે આવેલી આ ઈમારતના બેઝમેન્ટમાં લગભગ સવારે 6:10 વાગ્યે શોર્ટ સર્કિટથી ત્રણ જેટલા વીજ મીટરો સળગી ઉઠ્યા હતા.
રવિવારની સવાર હોવાથી ઘણાં રહેવાસીઓ ઊંઘમાં હતા એ સમયે મીટર રૂમમાંથી તણખલા ઉડતા દેખાતા જ સંકુલમાં ખળભળાટ મચી ગયો. ઘટનાની જાણ થતા જ જાગૃત રહેવાસીઓએ તરત જ ફાયર વિભાગનો સંપર્ક કર્યો. સવારે 6:12 વાગ્યે કોલ મળતા જ નવસારી ફાયર બ્રિગેડની પાંચ સભ્યોની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી હતી.
ફાયર ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરીને માત્ર 20 મિનિટમાં આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું, જેના કારણે સંભાવિત મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના તરત બાદ વીજ કંપનીએ સુરક્ષાને દ્રષ્ટિએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી સમારકામની પ્રક્રિયા શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે