
સુરત, 7 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક બનાવ સામે આવ્યો છે. 21 વર્ષીય ગગનકુમાર મહાનંદ દાસને કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને બહાર બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા જ હુમલાખોરોએ તેના પર ચપ્પુથી પાંચથી વધુ ઘા કરી હત્યા કરી નાખી. બાદમાં તેનો મૃતદેહ ગેટની નજીક ફેંકી દેવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારમાં શોકની લહેર ફેલાઈ. ગગનકુમાર પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય હતો. પિતાએ ગમગીન સ્વરે કહ્યું કે, “કોઈએ મારા દીકરાને ચાકુ મારી ગેટ પાસે ફેંકી દીધો… મારી દુનિયા જ ખતમ થઈ ગઈ.”
પરિવારજનોનું કહેવું છે કે ગગનકુમારે કોઈ સાથે પોતાની સમસ્યાઓ વહેંચી નહોતી, પરંતુ રાત્રે તેને કોઈએ ફોન કરીને બોલાવ્યો હોવાની ખાતરી છે.
સચિન GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી ચૂકી છે. આસપાસના CCTV ફૂટેજ મેળવી હત્યારાઓની ઓળખ માટે જુદી જુદી ટીમો કાર્યરત છે. પોલીસ હત્યા પાછળ જૂની અદાવત કે અન્ય કારણો હશે તેની તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે