
સુરત, 7 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના ચોકબજાર વિસ્તારમાં દક્ષિણ ગુજરાતની પ્રથમ સરકારી આયુષ હોસ્પિટલ હવે લોકો માટે સેવા આપવા તૈયાર થઈ ગઈ છે. હોસ્પિટલનું સત્તાવાર લોકાર્પણ હજુ બાકી છે, પરંતુ નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આવી છે.
નાગરિકો રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધી ઓપીડીમાં વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર મેળવી શકે છે.
જિલ્લા આયુષ અધિકારી વૈદ્ય મિલન દશોંદીએ જણાવ્યું કે, સુરત શહેરમાં અત્યાર સુધી એક પણ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ન હોવાથી, જૂની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાંચ માળની અદ્યતન સુવિધાઓ ધરાવતી નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ટૂંક સમયમાં તમામ વિભાગો સંપૂર્ણ રીતે શરૂ થશે, જ્યારે હાલ આઉટડોર દર્દીઓ માટે આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ છે.
હોસ્પિટલના હેડ અને વૈદ્ય (પંચકર્મ) તુષાર શાહે જણાવ્યું કે, 50 બેડોની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં આયુર્વેદની વિવિધ સારવાર તબક્કાવાર શરૂ કરવામાં આવશે. સુરતવાસીઓએ હાલ ઉપલબ્ધ વિનામૂલ્યે ઓપીડી સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.
આ હોસ્પિટલ શરીર અને મનની તંદુરસ્તી માટે દક્ષિણ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ આયુષ કેન્દ્ર તરીકે ઊભરી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે