
જામનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં રહેતા શિહોરવાળા લોવારી વીશા ઓશવાળ જૈન સમાજના નાંદીશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, પત્ની ધારિણીબેન તથા 10 વર્ષના પુત્ર તિર્થએ આજે ગુરુ ભગવંતો પાસેથી દીક્ષા ગ્રહણ કરતાં નાંદીશભાઈ હવે યુનિ નમ્મેશચંદ્રસાગરજી મહારાજ, ધારિણીબેન સાધ્વી નમ્યપ્રિયાશ્રીજી મહારાજ તથા બાળ મુમુક્ષુ તિર્થ બાલમુનિ નમ્યચંદ્રસાગરજી મહારાજ બન્યા છે. તેઓના નવા નામોની ઘોષણા ગુરુજનોની ઉપસ્થિતિમાં ઓળી..જોળી..પીપળ પાન.. ગુરુદેવએ પાડયું નવું નામ એમ લાડથી બોલીને કરવામાં આવી હતી.
જામનગરમાં જૈન સમાજમાં પતિ-પત્ની અને 10 વર્ષના પુત્ર ગુરુ ભગવંતોની આજ્ઞા બાદ દીક્ષા અંગીકાર કરીને સંસાર છોડીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. શહેરના જૈન સમાજની આવી પ્રથમ ઘટનાના સાક્ષી બનવા અસંખ્ય લોકો ધર્મભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય દીક્ષાઓની પુર્વ ભુમિકાની અને સંસારી જીવનની વાત કરીએ તો શહેરમાં રોકાણ સલાહકારનો વ્યવસાય ધરાવતા નાંદીશભાઈની મોટી પુત્રી વિરાલી અને તેના નાના ભાઈ ચૈત્યએ 2022ની સાલમાં શેઠ પોપટલાલ ધારશીભાઈ બોર્ડિંગના પટાંગણમાં દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે ચાલવાનો આરંભ કર્યો હતો.
જેના 3 વર્ષ પછી માતા-પિતા અને નાના ભાઈએ પણ તેઓનું અનુસરણ કર્યું છે. આજે ગુરુ ભગવંતો આચાર્ય જિનચંદ્રસાગર સુરીજી મહારાજ, આચાર્ય અશોકસાગર સુરીજી મહારાજ, આચાર્ય હેમચંદ્રસાગર સુરીજી મહારાજની નિશ્રામાં માતા-પિતા-પુત્રની દીક્ષા વિધિ સવારે 8 વાગ્યાથી આરંભ થઈ હતી. સવારથી જ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંસારી જીવનકાળના પરિજનોના દીક્ષાના સાક્ષી બનવા પુર્વ સંસારી અને હવે દીક્ષા લઈ ચુકેલા એવા મુનિ ગુણશેખર વિજયજી મહારાજ (ભત્રીજા), મુનિ અમમચંદ્રસાગરજી(ભત્રીજા), મુનિ અક્ષતચંદ્રસાગરજી (પુર્વ પુત્ર ચૈત્ય), મુનિ આર્જવચંદ્રસાગરજી (પુર્વ મોટાભાઈ), સાધ્વી વ્રતનંદિતાશ્રીજી મહારાજ (પુર્વ બહેન), જિનાંગવ્રતાશ્રીજી (પુર્વ માતા), સાધ્વી હેમર્ષિપ્રિયાશ્રીજી (પુર્વ ભત્રીજી), સાધ્વી વિશ્વવ્રતાશ્રીજી (પુર્વ પુત્રી વિરાલી) તેમજ સાધ્વી હેમર્ધિપ્રિયાશ્રીજી મહારાજ (પુર્વ ભાભી) તેમજ શાહ પરિવારના ભાવનગર, મુંબઈ રહેતા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt