
વડોદરા, 7 ડિસેમ્બર (હિ.સ.)-વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એટીએમમાં મદદ કરવાનો બહાનો કરીને કાર્ડ બદલી લાખો રૂપિયા પડાવી લેનાર તુષાર અનીલભાઈ કોઠારી (ઉં. 36)ને ગિરફ્તાર કર્યો છે. આરોપી ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને એટીએમ વાપરવામાં મુશ્કેલી અનુભવતા નાગરિકોને ટાર્ગેટ કરતો હતો. પીન નંબર જાણી લીધા બાદ ચાલાકીથી મૂળ કાર્ડ બદલે પોતાનું ડમી કાર્ડ આપી દેતો અને પછી તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતો.
આરોપીની ધરપકડ બાદ વડોદરા, ભરૂચ, ડાકોર અને સુરત સહિત કુલ 12 ગુનાઓનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, 2014થી અત્યાર સુધી તેના સામે IPC 406, 420, 379 તથા BNSની કલમો હેઠળ 39થી વધુ કેસ નોંધાયેલા છે.
પોલીસે તેની પાસેથી 10 એટીએમ કાર્ડ અને એક ઓપ્પો મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. આરોપી લાંબા સમયથી રાજ્યોમાં ફરીને, સમાન રીતથી ઠગાઈ આચરતો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે