
જામનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના કેટલાક આસામીઓને શેરબજારમાં રોકાણના નામે છેતરી લેવા માટે ફેક ઈન્વેસ્ટમેન્ટ એપમાં મસમોટો પ્રોફીટ બતાવી રૂ.૨૮ લાખ ૩૬ હજારનું ફૂલેકુ ફેરવી લેવાયું હતું. આ ગુન્હામાં સાયબર ક્રાઈમ પોલીસે મૂળ જામનગરના અને હાલમાં સુરતમાં રહેતા શખ્સને દબોચી લીધો છે.
જામનગરના એક આસામીને થોડા મહિનાઓ પહેલા શેર માર્કેટમાં રોકાણ કરી ઓછા સમયમાં વધુ નફો કમાઈ લેવાની લાલચ બતાવી જુદી જુદી ફેક ઈન્વેસ્ટમેન્ટ એપ મારફત, ખોટો પ્રોફીટ બતાવી આ આસામી તથા અન્ય વ્યક્તિઓ પાસેથી રૂ.૨૮ લાખ ૩૬ હજાર પડાવી લેવાયા હતા.
આ આસામીઓ પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવાયા હતા. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી હતી. પીઆઈ આર.એ. ધાસુરાના વડપણ હેઠળની પોલીસ ટીમે તપાસ કરતા બંધન બેંકના એક ખાતામાં આ રકમ ટ્રાન્સફર થયાનું જણાઈ આવ્યું હતું. આગળ વધેલી પોલીસ તપાસમાં સાયબર ટીમે મૂળ જામનગરના વિભાપર પાસે મધુરમ ટાઉનશીપમાં વસવાટ કરતા અને હાલમાં સુરતના કતાર ગામમાં રહેતા રાહુલ મનિષભાઈ વાસાણી નામના શખ્સને દબોચી લીધો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt