
જામનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં ગેરકાયદેસર મકાનો ઉપર ફરીથી બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે ત્યારે ગોકુલનગરથી આશાપુરા સર્કલ સુધી ૧૦૦ ફુટનો ૩૦ મીટરનો રોડ કરવાનો હોય કોર્પોરેશને ૮૬ લોકોને નોટીસ પાઠવી હતી, જેમાં ૧૫ જેટલા લોકોએ આપ મેળે સ્વૈચ્છાએ પોતાના મકાન તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે.
ટીપીડીપીના આસી.ઇજનેર ગોસાઇએ જણાવ્યું હતું કે, અમે નોટીસ આપી છે અને લોકોએ સ્વૈચ્છાએ બાંધકામ દુર કરી રહ્યા છે, રૂ.૧૫ કરોડની જમીન ઉપર ગેરકાયદે દબાણો દુર કરાશે, આગામી દિવસોમાં મહાપાલીકા દ્વારા આ તમામ દબાણો દુર કરી દેવામાં આવશે. આ અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી.
જામનગરમાં મ્યુ.કમિશ્નર તરીકે ડી.એન.મોદીએ ચાર્જ સંભાળ્યા બાદ અત્યારથી ૯૬૨ જેટલા ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફેરવાઇ ગયું છે, લાંબા સમયથી બચુનગર, સ્મશાનથી ગાંધીનગર સુધીના રસ્તાઓ તેમજ કેટલાક ધાર્મિક સ્થાનો તોડવામાં આવતા ન હતાં, પરંતુ મ્યુ.કમિશ્નરે કોઇની દરકાર કર્યા વિના ખાસ કરીને ગાંધીનગરથી સ્મશાન સુધીના તમામ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો હતો, ત્યારબાદ એક ધાર્મિક સ્થાન જે આલીશાન હતું તે પણ તોડી પડાયું હતું, આગામી દિવસોમાં કેટલાક રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલવાની છે.
લગભગ ત્રણેક રસ્તા મોટા થઇ જશે જેમાં ગોકુલનગરથી જકાતનાકા-સાંઢીયા પુલનો રસ્તો પહોળો કરવા માટે ૮૬ જેટલા બાંધકામો તોડી પાડવામાં આવશે, જો કે આ અંગે રાજકીય ભલામણનો દૌર પણ શરૂ થઇ ગયો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ ૧૫ જેટલા લોકોએ તો પોતાની રીતે સ્વૈચ્છાએ બાંધકામો તોડી પાડવાની શરૂઆત કરી દીધી છે.
કોર્પોરેશનના ટીપીડીપીના અધિકારીના જણાવ્યા મુજબ લોકો પોતાની રીતે બાંધકામ તોડે તે માટે અમે પુરતો સમય આપ્યો છે અને અઠવાડીયા બાદ જો આ બાંધકામો યથાવત રહેશે તો અમે તેના ઉપર બુલડોઝર ફેરવી દેશું, હવે આ મામલો પેચીદો બન્યો છે અને લાંબા સમય પહેલા લોકોની માંગણી હતી કે, આ રસ્તો પહોળો કરવો તે માંગણી પુરી થઇ છે, પરંતુ વર્ષોથી ટીપી રોડની કેટલીક દુકાનો કપાતમાં આવે છે તે માંડવી ટાવરથી ખંભાળીયા ગેઇટ સુધીનો રસ્તો પહોળો કરવાની કામગીરી શા માટે કરવામાં આવતી નથી ? તે પણ લોકો કહી રહ્યા છે અને બીજા રસ્તાની જેમ આ રસ્તા પરની ગેરકાયદેસર દુકાનો પણ તોડી પાડીને રસ્તો મોટો થાય તે માટે કોર્પોરેશને તમામ પ્રયત્નો કરવા જોઇએ તેમ લોકોનું કહેવું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt