
સોમનાથ,8 ડિસેમ્બર (હિ.સ.) પ્રાદેશિક કમિશનર ભાવનગર ઝોન દ્રારા તાત્કાલિક ધોરણે નગરપાલિકા વિસ્તારમાં આવેલી શાળાઓમાં રખડતાં કૂતરાથી બચવા માટે બાળકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવા નિર્દેશના અનુસંધાને સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓમાં શિક્ષકોના સહયોગથી બાળકોને રખડતાં કૂતરાઓ સામે જરૂરી તકેદારી રાખવા સબંધિત વિવિધ માહિતી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી રીટ પિટિશનના અનુસંધાને ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ દ્વારા રખડતાં કૂતરાઓ સામે રક્ષણ મેળવવા માટે એસ.ઓ.પી. જાહેર કરવામાં આવી છે. જે બાબતે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન દ્વારા તમામ નગરપાલિકા વિસ્તાઓમાં આવેલી શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા નિર્દેશ કરવામાં આવ્યાં છે.
જેના અનુસંધાને સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યત્વે કૂતરાઓના હાવભાવ ઓળખવા, કૂતરાઓ હુમલો કરે ત્યારે શું કરવું? પાલતુ કૂતરાઓ માટેની કાળજી, કૂતરાઓને હેરાન ન કરવા અને આસપાસ સફાઈ રાખવા સબંધીત વિવિધ મુદ્દાઓથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ