એઆઈ, 5જી અને સસ્ટેનેબિલિટી આધારિત, નવી પેઢીના માછીમારી બંદરો રાજ્યને વૈશ્વિક દરિયાઈ હબ તરીકે વિકસિત કરશે
ગાંધીનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : આધુનિક યુગના માછીમારી બંદરો હવે માત્ર નૌકાઓના અવરજવર માટેના સ્થિર માળખા નથી. તેઓ દરિયાઈ આજીવિકા, નિકાસ, સમુદાય સમૃદ્ધિ અને રાજ્યના બ્લુ ઈકોનોમીને મજબૂત બનાવી રહ્યા છે. ગુજરાત સ્માર્ટ, ટકાઉ અને સામાજિક રીતે સમાવિષ્ટ “બ
બંદર


ગાંધીનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : આધુનિક યુગના માછીમારી બંદરો હવે માત્ર નૌકાઓના અવરજવર માટેના સ્થિર માળખા નથી. તેઓ દરિયાઈ આજીવિકા, નિકાસ, સમુદાય સમૃદ્ધિ અને રાજ્યના બ્લુ ઈકોનોમીને મજબૂત બનાવી રહ્યા છે. ગુજરાત સ્માર્ટ, ટકાઉ અને સામાજિક રીતે સમાવિષ્ટ “બ્લુ હાર્બર્સ”ના વિકાસમાં દેશને માર્ગદર્શન આપી રહ્યું છે, જેના દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મજબૂત બનશે અને વૈશ્વિક સીફૂડ બજારમાં ભારતનું નેતૃત્વ પ્રબળ થશે.

ભારત સરકારે દરિયાકાંઠા આધારિત વિકાસને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ ઐતિહાસિક પગલું ભર્યું છે. મત્સ્યઉદ્યોગ વિભાગ (ડીઓએફ), મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય (એમઓએફ એએચડી) અને યુનાઇટેડ નેશન્સના એફએઓ વચ્ચે નવી વ્યૂહાત્મક ભાગીદારીના હસ્તાક્ષર સાથે ટેકનિકલ સહકાર કાર્યક્રમ (ટીસીપી) શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના જખૌ, દીવના વણકબારા અને પુડુચેરીના કરાઈકલ ખાતે વિશ્વ-સ્તરીય બ્લુ હાર્બર્સનું પાયલોટિંગ કરવામાં આવશે. આ મોડલ સમગ્ર દેશમાં ટકાઉ, સ્માર્ટ અને આવનારી પેઢી માટે અનુકૂળ મત્સ્યઉદ્યોગ વિકાસનું માર્ગદર્શન કરશે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) હેઠળ આઇએનઆર 452.32 કરોડના કુલ રોકાણ સાથે ભારત સરકારે સ્માર્ટ અને સંકલિત મત્સ્યઉદ્યોગ માળખા વિકાસની પ્રક્રિયાને વેગ આપ્યો છે.

ગુજરાતના પશ્ચિમ દરિયાકિનારા પર કચ્છ જિલ્લામાં સ્થિત જખૌ બંદર, રાજ્યના સૌથી મહત્વપૂર્ણ મત્સ્યઉદ્યોગ કેન્દ્રોમાંનું એક છે જેનું સંચાલન મત્સ્યઉદ્યોગ કમિશનર (સીઓએફ) દ્વારા કરવામાં આવે છે. અહીં માછલી ઉતરાણથી લઈને જહાજોના મરામત, સંગ્રહ પ્રણાલીઓ અને જુદી જુદી જેટી સુવિધાઓ સુધીનું આધુનિક માળખું વિકસાવવામાં આવ્યું છે. “બ્લુ રિવોલ્યુશન” પહેલ હેઠળ જખૌ બંદરના આધુનિકીકરણથી દરિયાઈ કાર્યક્ષમતા વધશે અને રાજ્યના બ્લુ ડેવલોપમેન્ટ વિઝનને વધુ મજબૂતી મળશે.

ગુજરાતની દરિયાકાંઠા પ્રગતિ અને દરિયાઈ ઉદ્યોગોને વૈશ્વિક મંચ પર રજૂ કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (વીજીઆરસી) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આવી બીજી આવૃત્તિ જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં રાજકોટમાં યોજાશે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશોની દરિયાકાંઠા શક્તિ અને માછીમારી કેન્દ્રિત સંભાવનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વીજીઆરસી નીતિનિર્માતાઓ, ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો, ટેકનોલોજી નિષ્ણાતો અને મુખ્ય હિસ્સેદારોને એક મંચ પર લાવશે, જ્યાં દરિયાઈ અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં ઊભરતી એઆઇ-આધારિત સોલ્યુશન્સ, 5જી આધારિત મોનિટરિંગ સિસ્ટમો, સસ્ટેનેબલ ફિશિંગ, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને નવા રોકાણ પર વિચારવિમર્શ થશે. પરિષદ ભારતના બ્લુ ઈકોનોમીને આગળ ધપાવવામાં ગુજરાતની મુખ્ય ભૂમિકાને પણ પ્રકાશિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande