


મહેસાણા, 8 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું માઢી ગામ આજે નર્સરી વ્યવસાય માટે સમગ્ર ગુજરાતમાં ઓળખ ધરાવે છે. બાગાયત ખાતાની પારદર્શક સહાય, નેટ હાઉસ–પોલીહાઉસ માટેની સબસીડી અને ટેક્નિકલ માર્ગદર્શનના કારણે અહીંનો નર્સરી ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે. હાલ ગામમાં 52 નર્સરીઓ કાર્યરત છે, જ્યાં શાકભાજી, ફળ અને ફૂલોના કરોડો રોપાં દર વર્ષે તૈયાર થાય છે અને ગુજરાત સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી સપ્લાય થાય છે.
સમગ્ર નર્સરીઓનું વાર્ષિક 50 થી 55 કરોડનું ટર્નઓવર થઈ રહ્યું છે, જે ગામની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર લાવે છે. દરેક નર્સરીમાં સરેરાશ 20 જેટલા મજૂરો કામ કરે છે, જ્યારે કુલ મળી 1000થી વધુ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. સીઝન દરમિયાન રોજગારની તકો વધુ વધી જાય છે.
નાથાભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલ આ વ્યવસાય આજે આધુનિક નેટ હાઉસ ટેક્નોલોજીથી આગળ વધી રહ્યો છે. તુલસી નર્સરીના સંચાલક વિપુલભાઈ પટેલ જણાવે છે કે બાગાયત ખાતા અને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની સહાયથી ઉત્પાદન ખર્ચમાં 50% જેટલો ઘટાડો થાય છે અને સર્ટિફાઈડ રોપાંની ખરીદી ખેડૂતને સીધો ફાયદો આપે છે.
નવા યુવાનો, મહિલા મજૂરો અને ખેડૂત—બધા માટે માઢીની નર્સરીઓ રોજગાર અને વિકાસની મોટી તક બની છે. નર્સરી વ્યવસાયે માઢી ગામને સાચા અર્થમાં નર્સરી હબ તરીકે ઓળખ અપાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR