
સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.) : શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ ડી માર્ટ પાસે પ્રયોશા જવેલ નામની બિલ્ડિંગમાં નવી લિફ્ટ નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન જોહન્સન લિફ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લિફ્ટના ટેસ્ટિંગના પાર્ટ્સ તેઓએ બિલ્ડિંગના 13 માં માળે મૂકી રાખ્યા હતા. જોકે કોઈ અજાણ્યા ચોર ઈસમે રાત્રિના સમયનો ફાયદો ઉપાડી બિલ્ડિંગમાંથી કુલ રૂપિયા 4.78 લાખના પાર્ટ્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર કંપનીના કર્મચારીએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના જલગાવના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ વિજયનગર ખાતે સાંઈ અર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા કેતન પ્રજ્ઞાકર હીરાલાલ પાટીલ ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ ડીમાર્ટ સામે પ્રયોશા જવેલ નામની બિલ્ડીગમાં નવી લિફ્ટ નાખવાનું કામકાજ ચાલુ રહ્યું છે. જેથી જોહન્સન લિફ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લિફ્ટ ટેસ્ટીંગના પાર્ટસ બિલ્ડીંગના તેરમા માળે મૂકી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તારીખ 28/11/2025 ના રોજ સાંજે છ વાગ્યાથી તારીખ 29/11/2025 ના સવારે 11:00 વાગ્યાના સમયગાળાની અંદર કોઈ અજાણ્યા ચોર ઈસમે બિલ્ડીંગના 13મા માળથી 32 નંગ ડિસ્પ્લે કોલ બટન, બે નંગ ઓવરલોડ ડિવાઇસ, ચાર નંગ પીએનપી સ્વિચ, કાર્ડ ટોપ સ્ટેશન બોર્ડ, બે નંગ અરાઇવલ ડાઉન અને અપ તથા ડોર વી ૩ એફ તથા 64 નંગ એલ એન્ડ કી સ્ક્રુ મળી કુલ રૂપિયા 4.78 લાખના સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી બાદમાં કેતનભાઇ પટેલના આ ચોરીની જાણ થતા તેઓએ આ મામલે ગતરોજ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે