
સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.) : ઓલપાડ થી જહાંગીરપુરા તરફ ઉતરતા બ્રીજના નાકા પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્કોડા સુપર્બ કારમાંથી 137.310 ગ્રામ ચરસના જથ્થા સાથે ત્રણ નબીરાઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પુછપરછમાં નબીરાઓએ ચરસનો જથ્થો હિમાચલ પ્રદેશના કસોલથી લાવ્યા હોવાની કબુલાત કરી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી ચરસ, મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 7.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં આખા શહેરમાંનો ડ્રગ્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત હાલમાં દરરોજ પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતના મુદ્દામાલ સાથે ખરીદનાર અને વેચાણ કરનારાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ગતરોજ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ગઈકાલે રાત્રે ઓલપાડ થી જહાંગીરપુરા તરફ આવતા બ્રીજના નાકા, ગેલેક્ષી રોયલ બંગ્લોઝની સામેથી સ્કોડ સુપર્બ કારને રોકી તલાસી લીધી હતી. જેમાં કારમાં સવાર અનુપ જમનસીંગ બીષ્ટ (ઉ.વ.38.રહે, નંદની-1, આગમ શોપીંગ મોલ પાસે, વેસુ), મયંકકુમાર દિનેશ પટેલ (ઉ.વ.26.રહે,વર્ષા સોસાયટી, પાલનપુર પાટીયા, અડાજણ) અને જીગર પિંકુકુમાર વાંકાવાલા (ઉ.વ.28.રહે,ભાગ્ય લક્ષ્મી સોસાયટી, અડાજણ) હાજર હતા. પોલીસે બાતમીના આધારે કારની અને ત્રણેય યુવકોની તલાશી લીધી હતી. જેથી તેઓની પાસેથી રૂપિયા 34,327ની કિંમતનું 137.310 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય નબીરાઓ પાસેથી ચરસ, મોબાઈલ અને કાર મળી કુલ રૂપીયા 7,14,327નો મુદ્દામાલ કબજે કરી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અગાળની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ચરસનો જથ્થો હિમાચલ પ્રદેશના કસોલથી લાવ્યા હતા. પોલીસે હાલ તો ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે