
જામનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં લાલપુર બાયપાસ નજીક જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને જમીન લે-વેચનું કામ સંભાળતા ગૌતમ મનસુખભાઈ વેકરીયા નામના 32 વર્ષના પાટીદાર યુવાને પોતાને તેમજ પોતાના મિત્ર મહેશભાઈ ડોબરીયાને મોબાઈલ ફોનમાં રિવોલ્વર ની અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે જિલ્લા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ દેવરાજભાઈ પેઢડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન અને તેનો મિત્ર મહેશભાઈ કે જેઓ બંને થોડા સમય પહેલાં ખોડલધામ માતાજીના દર્શનાર્થે ગયા હતા, જ્યાં ધર્મેશ રાણપરીયા ના પરિવારજનો છાવણી નાખીને બેઠા છે, જેની છાવણીની મુલાકાત લઈને તેઓને સમર્થન આપી રહ્યા છે, તેમ જણાવી બંનેના મોબાઇલ ફોનમાં રિવોલ્વરની ગુપ્ત ભાગમાં ગોળી ધરબી દઈ હત્યા કરી નાખશે, તેવી ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગર જિલ્લા ભાજપમાં અગાઉ ઉપ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂકેલા અને હાલ ભાજપના હોદ્દાથી વિખૂટા પડેલા હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ પેઢડિયા, કે જેઓને જયેશ પટેલ સાથે ગજગ્રાહ ચાલી રહ્યો છે, અને અગાઉ બંને વચ્ચેની તકરારની પોલીસ ફરિયાદો પણ થઈ ચૂકી છે, જેના સંદર્ભમાં હાલના ફરિયાદી અને તેનો મિત્ર જયેશ પટેલના પરિવારને મળ્યા હોવાથી તેનું મનદુ:ખ રાખીને ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર બનાવ મામલે પંચકોશી બી. ડિવિઝન ના પી.આઈ. વી.જે. રાઠોડ એ બી.એન.એસ. 2023 ની કલમ 352 અને 351-3 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt