
પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે આજે સવારે ટર્બો વાહન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક ધારપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટર્બો વાહન રિવર્સ લઈ રહ્યું હતું ત્યારે પાછળથી આવતું બાઈક સીધું ટર્બોમાં ઘૂસી ગયું હતું. જોરદાર અથડામણમાં બંને બાઈક સવાર રોડ પર ફંગોળાઈ ગયા હતા, જેમાં એકના હાથ–પગ પર ટર્બોનું ટાયર ફરી જતા ગંભીર ઈજાઓ થઈ હતી અને બીજા વ્યક્તિને પણ શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં લોકો, મદદ માટે દોડી આવ્યા અને 108 સેવા દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતને કારણે સિદ્ધપુર ચાર રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક ખોરવાયો હતો, જ્યારે પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ