

મહેસાણા, 8 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ – મહેસાણા – પાલનપુર રોડ (એસ.એચ.41) પર નાગલપુર ખાતે બનાવાતા વ્હીકલ અન્ડરપાસનું કામ હાલ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના કાર્યપાલક ઇજનેરની અખબારી યાદી અનુસાર, આ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્થાનીક નાગરિકોની લાંબા સમયથી રહેલી માંગને પૂર્ણ કરશે.
અન્ડરપાસ નિર્માણથી મહેસાણા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં યાતાયાત વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે. હાલ એસ.એચ.41 પર ટ્રાફિકનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી અન્ડરપાસ બન્યા બાદ નાગરિકોને ટ્રાફિક જામમાંથી રાહત મળશે અને લાંબા રૂટની હાઈવે કનેક્ટિવિટી પણ વધુ મજબૂત બનશે. આ સુવિધાનો લાભ મહેસાણા સિવાય રાજસ્થાન, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને અમદાવાદ તરફ આવતા-જતાં મુસાફરોને સીધો મળશે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન થતા ટ્રાફિક ભીડમાં ઘટાડો થઈને વાહનચાલકોનો સમય તેમજ ઇંધણ બંનેની બચત થવાની આશા છે.
વહીવટીતંત્ર તરફથી જણાવાયું છે કે કામગીરીનો મોટાભાગનો હિસ્સો પૂર્ણ થવા તરફ છે અને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. નાગરિકો માટે આ અન્ડરપાસ આગામી સમયમાં સુવિધા અને વિકાસનો નવો માર્ગ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR