
સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.)-અમરોલીમાં ધરકામ બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈયેલી પત્નીએ મોડીરાત્રે પતિ સુતેલો હતો ત્યારે માથામાં અને પેટના ભાગે પથ્થરથી ઘા ઝીંકી પતાવી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પત્નીની ધરપકડ કરી છે.
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ રજવાડી પાર્ટી પ્લોટની પાસે ઓમ શાંતીનગર સોસાયટીમાં રહેતા કનુભાઈ ચુડાસમા અને તેની પત્ની અંકીતા વચ્ચે ગત તા 6 ડિસેમ્બરના રોજ બપોરના બે વાગ્યે, ઘરકામને લઈને ઝઘડો થયો હતો. અગાઉ પણ વારંવાર બંને વચ્ચે નજીવી બાબતમાં ઝઘડાઓ થતા હતા. જેથી અંકિતા પતિના સ્વભાવથી કંટાળી ગઈ હતી. આ દરમિયાન મોડીરાત્રે બે વાગ્યાના આરસામાં કનુભાઈ સુતેલા હતા ત્યારે અંકિતાએ તેમની હત્યા કરવાના ઈરાદે માથા અને પેટના ભાગે ઉપરા છાપરી પથ્થરના ઘા માર્યા હતા. કનુભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
બનાવ અંગે અમરોલી પોલીસે મકાનના નીચેના માળે રહેતા માલીક કિરણસિંહ છગનસિંહ સોલંકી (ઉ.વ.74)ની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પત્ની અંકીતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે