



પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) : મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને અને આત્મનિર્ભર બની સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ અનુસંધાને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી., ગાંધીનગરની પ્રેરણા હેઠળ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કચેરી તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે તન્ના હોલ, પોરબંદર ખાતે “મહિલા સ્વરોજગાર મેળો – લોન મેળો”નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ મહિલાઓના વિવિધ પ્રશ્નો, વિભાગીય કામગીરી તેમજ મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધી શકે તે માટે જરૂરી સહાય, તાલીમ તથા સરકારી પ્રોત્સાહન વિશે પણ માહિતી આપી હતી.
એફએલસી લીડ બેન્કના જાહિદ ખોખર વિવિધ લોન યોજનાઓ, તેની પ્રક્રિયા, બેન્ક એકાઉન્ટ સલામતી, કેવાયસી, નામિનેશન સહિતના મુદ્દાઓ તેમજ ઓનલાઈન ફ્રોડથી બચવા જરૂરી સૂચનાઓ આપી હતી.
મેળામાં વાજપાઈ બેન્કેબલ યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ, પોરબંદર આઈટીઆઈના વિવિધ અભ્યાસક્રમો, રોજગાર–સ્વરોજગાર તકો તથા સીઈડી દ્વારા મળતા માર્ગદર્શનાની જાણકારી આપવામાં આવી હતી અને મહિલાઓ પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ કેવી રીતે શરૂ કરી શકે તેના પ્રાયોગિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
દહેજ પ્રતિબંધ અધિકારી પી.પી. જાદવએ કાર્યક્રમનો હેતુ સમજાવતા તમામ મહાનુભાવો, અધિકારીઓ તથા ઉપસ્થિત મહિલાઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે “વ્હાલી દીકરી” સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ તથા વધામણી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગભાઈ દવેએ આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યોજાયેલા ભરતી મેળામાં 10 જેટલી કંપનીઓ ઉપસ્થિત રહી હતી, જેમણે નોકરી ઈચ્છુક મહિલાઓના ઇન્ટરવ્યુ લઈ પ્રાથમિક પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ તકે આઈટીઆઈ પોરબંદરના સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ડૉ. કે. એમ. કારાવદરા, રોજગાર કચેરીના કાઉન્સેલર નીતેશ વાઢિયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વનરાજ શિલુ, ઉદ્યોગ સાહસિક સંસ્થાના ટ્રેનિંગ ઓફિસર જીતેશ ચૌહાણ તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya