
જામનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં ગીતામંદિર પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા યુવાનનું હાર્ટ એટેકથી કરુણ મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. ઘરે રહેલા વૃધ્ધ માતા પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તો માવતરે ગયેલી પત્નીને જાણ થતાં તેઓ પણ જામનગર આવી ગયા હતા.
મળતી માહિતી મુજબ, શહેરના રામેશ્વરનગર શક્તિ પાર્ક-2માં રહેતા રાહુલ રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.આશરે 32) નામના યુવાન ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે નોકરી કરતા હોય, અને આજે રવિવારના રજાના દિવસે ગીતા મંદીર પાસે મિત્રો સાથે ક્રિકેટ મેચ રમવા માટે ગયા હતા. તેઓ ફિલ્ડીંગ ભરતા હતા. ત્યારે અચાનક ઢળી પડતા મિત્રો એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં લઈ ગયા હતા. યુવાનના ઘરે જાણ કરી દીધી હતી. જેથી ઘરે રહેલા માતા પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં યુવાનની સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.
જ્યારે યુવાનની પત્ની બે વર્ષના પુત્ર સાથે અમરેલી માવતરે ગયા હતા. બનાવની જાણ થતાં પત્ની તેમના પરિવાર સાથે જામનગરની હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. પતિના મૃતદેહને જોઈને પત્ની આઘાતમાં સરી પડ્યા હતા. યુવા વયે હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ બનાવના પગલે પરિવાર તેમજ સગાસંબંધીઓ અને મિત્રો વર્તુળ હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતાં. યુવાનના મૃતદેહને જોઇને ઘેરો શોક વ્યાપી ગયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt