•રાષ્ટ્રીય કક્ષાએ કૉલેજોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરતી NAAC ટીમના ત્રણ સભ્યોએ તાજેરતમાં જ કોલેજની મુલાકાત કરી વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કર્યું
રાજપીપલા, , 17 ફેબ્રુઆરી (હિ.સ.). ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કૉલેજોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરતી નેક (NAAC-નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ) બેંગલોર દ્વારા નર્મદા જિલ્લાની તિલકવાડા ખાતે આવેલી સરકારી વિનયન કૉલેજની તારીખ ૬- ૭ ફેબ્રુઆરી,૨૦૨૫ના રોજ મુલાકાત લેવામાં આવી હતી. કોલેજના સંપૂર્ણ મૂલ્યાંકન બાદ સંસ્થાને આગામી પાંચ વર્ષ માન્ય ‘બી’ ગ્રેડ એનાયત કરવામાં આવ્યો હતો.
કોલેજની મુલાકાતે આવેલી પીઅર ટીમમાં પ્રો.વિમલા એમ.-ચેરપર્સન(કર્ણાટક), પ્રો.સુબીર મૈત્રા-મેમ્બર કૉ-ઓર્ડિનેટર (પ.બંગાળ) અને ડૉ.બિમલ બરાહ-મેમ્બર (આસામ)નાઓ સામેલ હતાં. આ નેક ટીમે કૉલેજની અધ્યયન, અધ્યાપન પ્રવૃત્તિઓ અને રચનાત્મક કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. કૉલેજના તમામ
વિભાગો, વર્ગખંડો, વિવિધ પ્રવૃત્તિઓ, લાઈબ્રેરી, સ્પોર્ટ્સ, વહીવટ વિભાગ, કૉલેજને મળતી વિવિધ ગ્રાન્ટ,વિવિધ ફેસીલીટી તેમજ કૉલેજ બિલ્ડિંગની મુલાકાત અને ડોક્યુમેન્ટ ચકાસણી કરી હતી. NAACની ટીમની મુલાકાત દરમિયાન કૉલેજના આચાર્યશ્રી .એમ.એમ.ડામોરે ટીમ સમક્ષ કૉલેજની સિદ્ધિઓ વર્ણવી હતી. IQAC કોઓર્ડિનેટર-ડૉ.જલ્પાબહેન, NAAC-કોઓર્ડિનેટર પટેલ અને તમામ વિભાગના અધ્યક્ષ અને અધ્યાપકોએ વિભાગોની સિદ્ધિઓને નેક પીઅર ટીમ સમક્ષ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. નેક ટીમે સંસ્થા હજુ વધુ સારી રીતે ગુણવત્તાસભર શિક્ષણ કઈ રીતે આપી શકે તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન આપી મૂલ્યાંકનનો રીપોર્ટ સમગ્ર સ્ટાફની હાજરીમાં બંધ કવરમાં આચાર્યશ્રીને સોંપ્યો હતો. આ સમગ્ર મૂલ્યાંકનને આધારે નેક દ્વારા સંસ્થાને આગામી પાંચ વર્ષ માટે માન્ય ‘બી’ ગ્રેડ એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે કૉલેજનાં આચાર્યશ્રી ડૉ.એમ.એમ.ડામોરે તમામ વિદ્યાર્થીઓ અને કૉલેજ પરિવારને અભિનંદન પાઠવ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય