•તરસાડી-કોસંબા ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે લોકાર્પણ
•પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ૨૦ હજારથી વધુ પુસ્તકો
સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.). શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગ્રંથાલય વિભાગ દ્વારા તરસાડી-કોસંબા ખાતે રૂ. ૦૪.૧૫ કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું. આ પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ૨૦ હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. પુસ્તકપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો સહિત ગ્રામજનોને વાંચન માટેની વિશેષ સુવિધા મળી છે.
પુસ્તકાલય ભવનમાં રીડિંગ હોલ, ઈ-લાઈબ્રેરી, સિનિયર સિટીઝન વિભાગ, સામાયિક અને દૈનિક સમાચાર વિભાગ, આઉટડોર રીડિંગ એરિયા, ગ્રંથપાલ ઓફિસ, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ તથા વોટર કુલર, દિવ્યાંગો માટે રેમ્પ એકસેસ, સ્ત્રી-પુરૂષ તથા દિવ્યાંગો માટે સેપરેટ ટોઇલેટ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ, ફાયર- ઇલેકટ્રીક- પમ્પ રૂમ તથા સિક્યુરિટી કેબિનની સુવિધાઓ ઉભી કરાઈ છે. ભાઈલાલની વાડી ખાતે આયોજિત સમારોહમાં નગરપાલિકા પ્રમુખ કપિલાબેન પરમાર, નવસર્જન સ્કૂલના પ્રમુખ કિશોરસિંહ કોસાડા, જમીનદાતા વિદ્યાબેન પટેલ, ગ્રંથાલય નિયામક (ગાંધીનગર) ડો.પી.કે. ગોસ્વામી, સુરત વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક જે.એસ. ચૌધરી, કોસંબા સરકારી તા.પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ એમ.એસ. ગોહિલ, ડે.એક્ઝિક્યુટિવ એન્જિનીયર કેદારીયા, ગ્રંથાલય ખાતાના અધિકારી-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય