સુરતમાં બાળમજૂરી વિરૂદ્ધ સઘન કાર્યવાહીઃ વર્ષ 2024 દરમિયાન 39 રેડ, 26 બાળશ્રમિકોનું રેસ્ક્યુ
•જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા બાળમજૂરી નાબૂદી અંતર્ગત 14 FIR અને 42 સંસ્થાઓને નોટિસ •બાળમજૂરી નાબૂદી માટે સુરતમાં જાગૃતિ અભિયાન: 22 સ્થળોએ શેરી નાટકો અને 1500 કેલેન્ડર વિતરણ •તહેવારોમાં શ્રમિક બાળકોના શોષણ સામે સતર્કતા: ટેક્સટાઈલ અને હોટલ ઉદ્યોગ પર જિલ
બાળમજુરી સામે જાગૃત્તિના પ્રયાસો હાથ ધર્યા


•જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા બાળમજૂરી નાબૂદી અંતર્ગત 14 FIR અને 42 સંસ્થાઓને નોટિસ

•બાળમજૂરી નાબૂદી માટે સુરતમાં જાગૃતિ અભિયાન: 22 સ્થળોએ શેરી નાટકો અને 1500 કેલેન્ડર વિતરણ

•તહેવારોમાં શ્રમિક બાળકોના શોષણ સામે સતર્કતા: ટેક્સટાઈલ અને હોટલ ઉદ્યોગ પર જિલ્લા ટાસ્કફોર્સની વિશેષ નજર

સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.). સુરત જિલ્લામાં બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતા હેઠળ નાયબ શ્રમ આયુક્તની કચેરી, બાળ સુરક્ષા યુનિટ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી વગેરેની સંયુક્ત ટીમે ૨૦૨૪ ના વર્ષમાં ૩૯ રેડ કરીને ૨૬ બાળશ્રમિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

આ બાળકો ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી સુરતમાં કામ કરવા માટે આવ્યા હતા. તેમને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી-સુરત ખાતે પુનર્વસન માટે મોકલવામાં આવ્યા. ઉપરાંત, રેડ દરમિયાન ૫૧ તરૂણ શ્રમિકો પણ મળ્યા, જેમાં ૦૫ ગુજરાતી અને ૪૬ બિનગુજરાતી છે. બાળ અને તરૂણ મજૂરીમાં મળેલા બાળકો વિવિધ ઉદ્યોગો જેમ કે ઈંટભઠ્ઠા, સાડી વેચાણ, હોટલ-રેસ્ટોરન્ટ, જરીકામ, ખાટલી વર્ક, ચા-નાસ્તાની લારી અને કપડાં પર કલર કામ વગેરેમાં કાર્યરત હતા. બાળમજૂરી પ્રથા રોકવા અને કાયદાના અમલ માટે જિલ્લા ટાસ્કફોર્સે કડક પગલાં લીધા છે. ૧૪ સંસ્થાઓ સામે FIR નોંધવામાં આવી, જ્યારે ૪૨ સંસ્થાઓને નિયમન અંગે નોટિસ પાઠવાઈ, જેના કેસ હાલ શ્રમ કોર્ટ-સુરતમાં ચાલી રહ્યા છે. બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા વિસ્તૃત જાગૃતિ અભિયાનો પણ યોજવમાં આવ્યા છે, જેમાં બાળ/તરૂણ મજૂરીને અટકાવવા માટે કુલ ૧૫૦૦ કેલેન્ડરો જિલ્લાની સરકારી અને અને વિવિધ સ્થાનિક સંસ્થાઓ, કારખાનાઓ, ઔદ્યોગિક-વ્યાપારી વિસ્તારો વિતરણ કરાયા છે.

શહેરમાં ટેક્ષટાઇલ માર્કેટ, ઓલપાડ, કામરેજ, બારડોલી, પલસાણાના બસ સ્ટેન્ડ અને આંતર રાજ્ય શ્રમિકોના વસવાટ ધરાવતા ૨૨ સ્થળોએ શેરી નાટક કરી બાળમજુરી સામે જાગૃત્તિના પ્રયાસો હાથ ધર્યા હતા. વિવિધ ટેક્ષટાઇલ માર્કેટોમાં સમયાંતરે બાળ શ્રમિકોની વારંવાર ફરિયાદ મળતી રહે છે. આ અંગે જાગૃતિ કેળવવા માટે ૧૪ જૂન, ૨૦૨૪ના રોજ FOSTTA કોન્ફરન્સ હોલમાં સેમિનાર યોજાયો હતો એમ જિલ્લા ટાસ્કફોર્સના સભ્ય સચિવ અને મદદનીશ શ્રમ આયુક્ત (ચાઇલ્ડ લેબર-સુરત) એચ.એસ.ગામીતની યાદીમાં જણાવાયુ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande