પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણ નગરપાલિકાની વેરા શાખાએ બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલના જણાવ્યા મુજબ, શહેરમાં અલગ-અલગ વોર્ડ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે.
શહેરમાં કુલ 85,000થી વધુ મિલકતધારકો છે, જેમાંથી 45 ટકા મિલકતધારકો પાસેથી બાકી અને ચાલુ વેરાની વસૂલાત કરવામાં આવી છે. હવે પાલિકાએ 1000 કોમર્શિયલ મિલકતધારકોને છેલ્લી નોટિસ આપી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં વેરો નહીં ભરે તો તેમની મિલકતો સીલ કરવામાં આવશે.
વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી કરતો પાટણ નગરપાલિકા અત્યાર સુધી 65 બાકીદાર મિલકતધારકોના પાણી અને ભૂગર્ભ ગટરના જોડાણો કાપી ચૂક્યા છે. આ પગલાંથી બાકી વેરા ધરાવતા મિલકતધારકોમાં ફફડાટ ફેલાયો છે, અને પાલિકાની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર