ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.). વિદ્યાર્થીઓ પરીક્ષાના ડર, તણાવ જેવી સમસ્યાઓમાંથી બહાર નીકળી સારું પ્રદર્શન કરી સારા ગુણ પ્રાપ્ત કરી શકે તે હેતુથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ટેસ્ટીંગ એન્ડ ઈવેલ્યુએશન વિભાગ દ્વારા ‘પરીક્ષા મિત્ર’ની શરૂઆત કરવામાં આવી છે.
બોર્ડની પરીક્ષા અને અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી મૂંઝવણ દૂર કરી શકાય તે હેતુથી આ એક પહેલ કરવામાં આવી છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના મા. કુલપતિ પ્રો. સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'પરીક્ષા મિત્ર' એ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની એક નૂતન પહેલ છે. યુનિવર્સિટી હવે પરીક્ષાલક્ષી સમસ્યાઓમાં વિદ્યાર્થીઓના એક મિત્ર તરીકે પડખે ઊભી રહેશે. ‘પરીક્ષા મિત્ર’ મૂંઝવણમાંથી મુક્તિ તરફ બાળકોને અગ્રેસર કરવામાં ઉપયોગી બની રહેશે તેવો આશાવાદ પણ મા. કુલપતિશ્રીએ વ્યક્ત કર્યો હતો.
પરીક્ષામાં રાત્રી દરમિયાન બાળકને વાંચતી વખતે જો કોઈ માનસિક મૂંઝવણ થાય તો તે દૂર કરી શકાય તે હેતુથી સ્પેશિયલ રાત્રીનાં સમયમાં એક ટેલિફોનિક મદદ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે જયારે વિદ્યાર્થીનાં પરિવારજનો અને અન્ય મિત્રોની મદદ લેવી મુશ્કેલ હોય ત્યારે પ્રોફેશનલ કાઉન્સેલર દ્વારા ટેલિફોનિક મદદ આપવામાં આવશે. આ માટે રાત્રે 1 થી સવારે 4 વાગ્યા સુધી મોબાઈલ નંબર 9978405881 ઉપર વિદ્યાર્થી મદદ માંગી શકશે. સાથે-સાથે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે રૂબરૂમાં પર્સનલ કાઉન્સેલિંગ પણ ઉપલબ્ધ રહેશે. માત્ર બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ જ નહિ પરંતુ કોઇપણ ધોરણનાં વિદ્યાર્થીઓ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે આવીને પરીક્ષાની તૈયારી, સ્મૃતિ, એકાગ્રતા, પરીક્ષાનો ભય, ચિંતા, માતાપિતાની અપેક્ષા, તૈયારી કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી શકશે. પરીક્ષા મિત્રની શરૂઆત 17 ફેબ્રુઆરી 2025થી થઈ રહી છે અને 4 એપ્રિલ 2025 સુધી પરીક્ષા શરૂ રહેશે. યુનિવર્સિટી ખાતે સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી ફેસ ટુ ફેસ કન્સ્લટેશન આપવામાં આવશે. જ્યારે રાત્રે 1થી 4 દરમિયાન ટેલિફોનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
પરીક્ષા મિત્રનાં પ્રારંભમાં યુનિવર્સિટીના મા. કુલપતિ પ્રો. સંજય ગુપ્તા, રજિસ્ટ્રાર ડૉ. નીલેશ પંડ્યાના માર્ગદર્શનમાં ટેસ્ટીંગ એન્ડ ઈવેલ્યુએશન વિભાગનાં અધ્યક્ષ ડૉ. મીનલબા જાડેજાએ ‘પરીક્ષા મિત્ર’ને અમલમાં લાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ