'છાવા' ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી જ દર્શકોમાં તેના વિશે ઘણી ઉત્સુકતા હતી. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. છત્રપતિ સંભાજી મહારાજની શૌર્યગાથા કહેતી આ ફિલ્મ જોવા માટે દર્શકો ઉમટી રહ્યા છે. હવે 'છાવા'ના ચોથા દિવસની કમાણીના આંકડા બહાર આવ્યા છે.
બોક્સ ઓફિસ ટ્રેકર સકનિલ્ક અનુસાર, 'છાવા' એ તેની રિલીઝના ચોથા દિવસે સોમવારે 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેનાથી તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 140.50 કરોડ રૂપિયા થયું હતું. જો આપણે વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે લગભગ 170 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'છાવા'એ બોક્સ ઓફિસ પર 31 કરોડ રૂપિયાની કમાણી સાથે શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે બીજા દિવસે ફિલ્મ 37 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મે ત્રીજા દિવસે 48.5 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મનું બજેટ 130 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ફિલ્મ 'છાવા' ને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જ્યારે વિવેચકો પણ ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકોએ વિક્કી કૌશલની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેણે આ ફિલ્મમાં તેના કરિયરનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. વિકી કૌશલની સાથે, આ ફિલ્મમાં રશ્મિકા મંદાન્ના, અક્ષય ખન્ના, વિનીત સિંહ, આશુતોષ રાણા, સંતોષ જુવેકર, દિવ્યા દત્તા, ડાયના પેન્ટી, રોહિત પાઠક પણ છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ