નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી (હિ.સ.). કોંગ્રેસે વર્તમાન કેન્દ્ર સરકાર પર દિશાહીન અને ટૂંકી દૃષ્ટિનો આરોપ લગાવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે સરકારની ખરાબ નીતિઓએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આજે અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે કે આપણી અર્થવ્યવસ્થા સારું વળતર આપી રહી છે તેનાથી વધુ વિડંબના કંઈ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે 2025 સુધીમાં ભારતીય શેરબજારોમાંથી ₹45 લાખ કરોડ ખતમ થઈ ગયા હશે. નિફ્ટી ૫૦ કંપનીઓએ ૫ વર્ષમાં સૌથી ખરાબ ત્રિમાસિક નફા વૃદ્ધિ નોંધાવી છે.
તેમણે કહ્યું કે વિદેશી રોકાણકારોએ ગયા વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ₹1.56 લાખ કરોડથી વધુ મૂલ્યના શેર વેચ્યા છે, જેમાં ફક્ત 2025 માં જ લગભગ ₹1 લાખ કરોડનો સમાવેશ થાય છે. આના કારણે, નાના અને મધ્યમ રોકાણકારોની સંપત્તિનું ધોવાણ થયું છે. ડોલર સામે રૂપિયો 87 પર હોવાનો અર્થ એ છે કે વેપાર ખાધ આસમાને પહોંચી રહી છે. છેલ્લા 5 વર્ષમાં આયાતમાં 62.21%નો વધારો થયો છે.
મોદી સરકારની વેપાર નીતિની ટીકા કરતા ખડગેએ તેને દેશ માટે વિનાશક ગણાવી છે. તેમણે દાવો કર્યો હતો કે યુપીએ શાસન (2004-14} દરમિયાન દેશનો નિકાસ વિકાસ 549.36 ટકા હતો, જે મોદી સરકાર (2014-24 દરમિયાન ઘટીને 24.72 % (એપ્રિલ-નવેમ્બર 2024 સુધી) થયો છે. મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં ₹10 લાખ કરોડના કોર્પોરેટ ટેક્સની આવક માફ કરી છે, એવી આશામાં કે તેનાથી રોજગારીનું સર્જન થશે, પરંતુ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી લાભ મેળવનારી 9 કંપનીઓમાંથી 8 કંપનીઓએ નોકરીઓ ઘટાડી છે.
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું કે ભારત વૈશ્વિક ટેરિફ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. આપણું ઉત્પાદન ક્ષેત્ર ડૂબી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા અને પીએલઆઈ યોજનાઓ નિષ્ફળ ગઈ છે. યુવાનોની બેરોજગારીનો કોઈ ઉકેલ નથી. ભાવવધારો બચતને ખાઈ રહ્યો છે. વપરાશ ઘટી રહ્યો છે, બજેટમાંથી કોઈ રાહત નથી. ગ્રામીણ વેતનમાં શૂન્ય વૃદ્ધિ જોવા મળી છે. એકંદરે, છેલ્લા 10 વર્ષમાં રૂપિયામાં 43%નો ઘટાડો થયો છે. બળજબરીથી તેલ અને ગેસ ખરીદવાથી આપણા આયાત બિલ પર બોજ પડશે.
હિન્દુસ્થાન સમાચાર/દધીબલ યાદવ/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ