સુરત, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે(17 ફેબ્રુઆરી 2025) બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓનું ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. જેમાં કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.
જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે