સુરત, 18 ફેબ્રુઆરી (હિ.સ.). ગુજરાત રાજ્યના ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ વિભાગના નેતૃત્વમાં અને કવચ કેન્દ્રની પ્રેરણાથી યુવા પેઢી સાયબર છેતરપિંડી બાબતે જાગૃત થાય અને તે દિશામાં આગળ વધે તેવા ઉદ્દેશ્યથી તા: ૧૭ અને ૧૮/૦૨/૨૫ એમ કુલ બે દિવસ સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ—૨૦૨૫નું આયોજન સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓને કુલ આઠ વિભાગમાં વહેચીને જે તે વિસ્તારની સરકારી યુનિવર્સિટીઓમાં નાટક ભજવણીનું
આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં બધી મળીને કુલ ૩૭૭ જેટલી કોલેજોએ આ નાટ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે પૈકી દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ભાગે આ કામગીરી આવી હતી. જેનું આયોજન અને અમલીકરણ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટી વિસ્તારના સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ, ભરૂચ અને તાપી એમ કુલ ૦૭ જિલ્લાની ૫૭
ટીમોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી કુલ ૩૩ કોલેજોએ સાયબર રક્ષક નાટ્ય મહોત્સવમાં ભાગ લીધો હતો. સાયબર નાટ્ય મહોત્સવમાં રજૂ થયેલા તમામ નાટકો કુલ ૦૫ થીમ પર આધારિત હતા.
કાર્યક્રમનો આરંભ તારીખ ૧૭/૦૨/૨૫ ના રોજ સવારે 9:30 કલાકે ઉદ્ઘાટન સત્રથી થયો હતો. જેમાં મંચસ્થ મહેમાનો હતા, આ કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડો. રમેશ દાન ગઢવી, કમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ડો. અપૂર્વ દેસાઈ, સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ —૨૦૨૫ના નોડલ અધિકારી અને યુનિવર્સિટી કમ્પ્યુટર સાયન્સ વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રીન્કુ પટેલ અને યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગના વડા ડો. યોગેશ વાસિયા. આમની સાથે સાથે સુરત શહેર સાયબર સેલના પીએસઆઇ ક્રિષ્નાબેન આસોદરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉદ્ઘાટન સત્રના આરંભે યુનિવર્સિટી ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ગીતગાન બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ કમ્પ્યુટર સાયન્સ
વિભાગના અધ્યાપક શ્રી મયુર ગોહિલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો અને સાયબર નાટ્ય ઉત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ અને કોલેજોના અધ્યાપકોનું શાબ્દિક સ્વાગત અને આવકાર આપ્યો હતો. તેમણે આ કાર્યક્રમનુ આયોજન, હેતુઓ, નાટ્ય પસંદગી, ઇનામો વગેરે વિશે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ પ્રવચન બાદ મંચસ્થ મહેમાનોનું પુસ્તકો ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્વાગત બાદ કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ડો. અપૂર્વ દેસાઈએ વિષયને અનુરૂપ પ્રવચન કર્યું હતું. જેમાં તેમણે સૌને આવકાર આપીને સાયબર છેતરપિંડી વિષયની પ્રસ્તુતતા, સાયબર છેતરપિંડીની ઉદાહરણો સહિત સમજૂતી, ડિજિટલ એરેસ્ટ કન્સેપ્ટની વિગતે જાણકારી, ડિજિટલ ટેકનોલોજીના સારા ખરાબ પાસા, ટેકનોલોજીનો ઉપયોગ વિશે સાવધાની જેવી મહત્વપૂર્ણ બાબતોને આવરી લીધી હતી. ત્યારબાદ કુલપતિ શ્રી ડો કિશોરસિંહ એન ચાવડા વ્યસ્તતાના લીધે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા પરંતુ તેમણે શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડો રમેશદાન ગઢવીએ સંક્ષિપ્ત પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે ઉપસ્થિત સૌને આવકાર આપીને પોતાના સાયબર છેતરપિંડીના અનુભવને વર્ણવ્યો હતો. તેમણે પોતાના પ્રવચનમાં આ નાટ્ય ઉત્સવના આયોજનનો હેતુ, માનવ અને ટેકનોલોજીની સર્જન અને વિસર્જન શક્તિ, લોભના કારણે સાયબર છેતરામણીનો થતો જતો વિકાસ,સાયબર છેતરામણીઓ, ડિજિટલ સાક્ષરતા વગેરે વિશે જાણકારી આપી હતી. ઉદ્ઘાટન સત્રના અંતે કમ્પ્યુટર સાયન્સ વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો રીન્કુ પટેલ દ્વારા
સાયબર રક્ષક નાટ્ય ઉત્સવમાં ઉપસ્થિત સૌનો આભાર માની ઉદ્ઘાટન સત્રને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદના બંને દિવસોના સાયબર રક્ષક નાટ્ય સત્રોમાં જુદી જુદી કોલેજો દ્વારા સાયબર છેતરામણીને લગતા જુદા જુદા વિષયો આધારિત કુલ ૩૩ નાટ્યકૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમાંથી ત્રણ નાટ્ય કૃતિઓને નિર્ણાયક શ્રી ઓ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવી હતી. તેમાં પ્રથમ ક્રમે શ્રી જે બી ધારૂકાવાલા મહિલા આર્ટસ કોલેજ; બીજા ક્રમે શ્રીમતી વી આર ભક્તા કોલેજ ઓફ એજ્યુકેશન, કામરેજ અને ત્રીજા ક્રમે વી ટી ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, સુરત રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય