ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
આ માટે તા. 18/02/2025 થી તા. 09/03/2025 સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ત્યાર બાદ વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી આગામી તા. 14 માર્ચ 2025ના રોજથી કરવામાં આવશે, જેનો રાજ્યના ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2024-25માં ચણાના પાક માટે રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂ. 5950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવ કરતા બજારભાવ નીચા જાય ત્યારે ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ હેઠળ રાજયમાં ચણા અને રાયડાના પાકના ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ