સુરત, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના પુણા સીતાનગરમાં થોડા દિવસો અગાઉ રાતના ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી લેસપટ્ટીના કારખાનેદારને બંધક બનાવી ચપ્પુની અણીએ તેની પત્ની પર ગેંગરેપ થયો હતો. આ કેસમાં રૂ. 60 હજારની મત્તાની લૂંટ પણ ચલાવાઈ હતી. મામલો સામે આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભાવનગરના નારી નજીક અંતરિયાળ વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયેલા બે હવસખોરને ઝડપી પાડ્યા હતા. ત્યારે લૂંટના રૂપિયા લઈને નાસી ગયેલો ત્રીજો આરોપી અમરેલી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે.
ડીસીપી ઝોન 1ની ટીમે આરોપીને અમરેલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી અમીત ઉર્ફે રઘુ ઉર્ફે રોકડા નરસિંહ વાળાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી લૂંટ વિથ ગેંગરેપની ઘટનામાં લૂંટ ચલાવેલા રૂપિયા લઇ ભાગી ગયો હતો. પોલીસે અગાઉ બે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. ઘટનામાં સામેલ કુલ ત્રણ આરોપી હતા.સીસીટીવીમાં શંકાસ્પદ જણાય આવેલો યુવક આરોપી જ નીકળ્યો હતો.
સીસીટીવી તપાસના આધારે હવસખોર નરાધમની ઓળખ નિકુંજ ઉર્ફે જથર ઉર્ફે બુલેટ ભીંગરાડીયા અને દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવ તરીકે થઇ હતી. ડીસીપી ઝોન 1 ની ટીમ દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે ભાવનગરના નારી નજીક અંતરિયાળ વિસ્તારમાં શંકર ભગવાનના મંદિરમાંથી આ બંને હવસખોરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ ત્રીજા આરોપી અમીત ઉર્ફે રઘુ ઉર્ફે રોકડા નરસિંહ વાળાની ધરપકડ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે