ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.). તા. 18 ફેબ્રુઆરી 2025 અને 19 ફેબ્રુઆરી 2025ના રોજ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ટોડલર એજ્યુકેશન વિભાગ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે શિશુ શિક્ષણ વિશે રાષ્ટ્રીય સેમિનારનો આરંભ થશે. જેમાં શિશુ શિક્ષણના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા થશે. આર્યુવેદ અને શિશુ વિકાસ વિષય પર આર્યુવેદાચાર્ય ડૉ. હિતેશભાઈ જાની માર્ગદર્શન આપશે. NEP -2020 અને પાયાના તબક્કા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાને કેન્દ્રમાં રાખી શીલાબહેન ઘોઘારી, ડૉ. રૂતાબહેન પરમાર, ડૉ. દેવાંગભાઈ મહેતા અને ડૉ. ટી. એસ. જોશી શિશુ શિક્ષણ વિશે ચર્ચા સત્રમાં ચર્ચા કરશે.
આ ઉપરાંત ડૉ. નિખિલ ખારોડ જીવનના શરૂઆતના એક હજાર દિવસોનું મહત્વ સમજાવશે. તદુઉપરાંત ડૉ. કશ્યપી અવસ્થી શિશુ શિક્ષણમાં પરિવાર, વિવિધ સંસ્થાઓ અને સમાજની ભૂમિકા વિશે વાત કરશે. અંતે સમાપન સત્રમાં ડૉ. મહેન્દ્ર ચોટલિયા દ્વારા શિશુ શિક્ષણમાં સંશોધન અને નવાચાર વિષય પર પ્રકાશ પાડશે. આ દ્વિદિવસીય સેમિનાર માટે 71 જેટલાં વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકો અને શોધ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. આ વિવિધ વિદ્યાશાખાના વિવિધ અધ્યાપકો અને શોધ વિદ્યાર્થીઓ દ્વારા 50 જેટલાં શોધપત્રો રજૂ થનાર છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ