GSRTCની વોલ્વો બસમાં પ્રયાગરાજ કુંભમાં અત્યાર સુધીમાં ગુજરાતના 4300 શ્રધ્ધાળુઓ કરી મુસાફરી
સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-સરકારી બસમાં અમને આવી સેવા મળશે તેવું વિચાર્યું ન હતું, કોર્પોરેટ કરતા પણ ચડિયાતી કામગીરી GSRTCએ કરી છે, આ શબ્દો છે,અમદાવાદના ભાવિન વસાણીના જેઓ હાલમાં જ GSRTCએ શરૂ કરેલા વિશેષ મહાકુંભ ટૂર પેકેજમાં પ્રયાગરાજની યાત્રા કરીને પ
Vovlo


સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-સરકારી બસમાં અમને આવી સેવા મળશે તેવું વિચાર્યું ન હતું, કોર્પોરેટ કરતા પણ ચડિયાતી કામગીરી GSRTCએ કરી છે, આ શબ્દો છે,અમદાવાદના ભાવિન વસાણીના જેઓ હાલમાં જ GSRTCએ શરૂ કરેલા વિશેષ મહાકુંભ ટૂર પેકેજમાં પ્રયાગરાજની યાત્રા કરીને પરત આવ્યા છે. ગુજરાતના નાગરિકોની મહાકુંભની યાત્રાને સુગમ અને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 27 જાન્યુઆરીએ GSRTCની વિશેષ વૉલ્વૉ સેવા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટથી કુલ 6 વૉલ્વો અત્યારે યાત્રાળુઓને પ્રયાગરાજ સુધી પહોંચાડે છે. 17 ફેબ્રુઆરી સુધીમાં પ્રયાગરાજ પહોંચીને પરત ફરવાની કુલ 184 ટ્રીપ પૂર્ણ કરવામાં આવી છે જેનો લાભ 4300 જેટલા શ્રદ્ધાળુઓએ મેળવ્યો છે.

પ્રયાગરાજનો રૂટ નવો હોવાથી યાત્રાળુઓને તકલીફો ન પડે તે હેતુથી GSRTCની એક ટીમે પ્રયાગરાજના રૂટનો અગાઉથી સર્વે કરીને યોગ્ય માહિતી મેળવી હતી. આ ટીમે અન્ય રાજ્યોની પોલીસને પણ આ વ્યવસ્થા અંગે માહિતગાર કર્યા હતા જેથી બસને પ્રવાસ દરમિયાન સરળતા રહે. મધ્યમપ્રદેશના શિવપુરીમાં રાત્રિ રોકાણ માટે ઉચ્ચ ગુણવત્તાની હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. પ્રયાગરાજ પર પાર્કિંગ પણ સંગમની નજીક જ રાખવામાં આવ્યું હતું. પ્રવાસમાં ગયેલા યાત્રિકોએ જણાવ્યું હતું કે બસના સુપરવાઇઝર અને પાયલટ તેમને પરિવારની જેમ સાચવતા હતા અને તેમને કોઈ અગવડ પડવા દીધી ન હતી.

રાજ્યના નાગરિકોને પ્રિમિયમ સેવા આપવા માટે અત્યારે GSRTC દ્વારા 100 વૉલ્વૉ બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ બસોમાં આરામદાયક પુશબેક સીટ, એર સસ્પેન્શન અને અત્યાધુનિક ફાયર સિસ્ટમ હોય છે. રાજ્યમાં વિવિધ સ્થળો સહિત દીવ અને નાથદ્વારા માટે પણ આ સેવા ઉપલબ્ધ છે. મહાકુંભ માટે છેલ્લી ટ્રીપ 25 ફેબ્રુઆરીએ રવાના થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande