સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. ત્યારે દરિયા કિનારાના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો થતાં હોય છે. ત્યારે ઓલપાડ-દાંડી-ડભારી અને મોર ભગવા સહિતના ગામોના દરિયા કિનારાના વિકાસને લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ત્રિ દિવસીય આ ફેસ્ટિવલમાં 45થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે. સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઈડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઉભી કરવામાં આવશે.
કૃણાલ સેલરે કહ્યું કે, સુરત ડિસ્ટ્રિક્ટ એકવાકલ્ચર ફાર્મસ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશન કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામ ના લોકો દ્વારા દાંડી દરિયા કિનારાના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુ થી તા.21/02/2025 શુક્રવાર થી તા.23/02/2025 રવિવાર સુધી સી ફૂડ ફેસ્ટિવલ-2025 નું આયોજન કરવા જઈ રહ્યાં છે. જે કાર્યક્રમનો હેતુ માત્ર ગામ નો અને ગામ ના દરિયા કિનારા નો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુ બાજુ ના ગામના લોકો ને રોજગાર મળે તે છે.
ત્રણ દિવસના આ ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે. સાથે જ પેરાગ્લાઈડિંગની સાથે સાથે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી વિશાળ એલઈડી સ્ક્રિન લગાવીને પ્રવાસીઓ દરિયા કિનારે મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. પ્રવાસીઓના આવાગમનને લઈને પણ બસ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે