વલસાડ, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. અને એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ) ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૫ રેગ્યુલર/રીપીટર/ખાનગી/પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી લેવાનાર છે. ત્યારે પરીક્ષાર્થીઓ સારી રીતે, વિશ્વાસ સાથે અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે એ હેતુસર તા.૧૯/૦૨/૨૦૨૫ને બુધવારના રોજ રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ડો. કુબેરભાઇ ડિંડોરની અધ્યક્ષતામાં અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી અને વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ એન દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષાલક્ષી તમામ આનુષાંગિક બાબતોને આવરી લેવામાં આવી હતી. કલેકટર દ્વારા પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્થ રીતે કરવા સંબંધિત તમામ અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજે ટંડેલે માહિતી આપતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ધો. ૧૦ અને ધો.૧૨ બોર્ડની કુલ ૪૯૮૪૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષામાં SSC પરીક્ષાનો સમયગાળો સવારે ૧૦:૦૦ કલાક થી ૦૧:૧૫ કલાક, HSC(વિજ્ઞાન પ્રવાહ)નો સમયગાળો બપોરે ૦૩:૦૦ થી ૦૬:૩૦ કલાક, HSC(સામાન્ય પ્રવાહ)નો સમયગાળો સવારે ૧૦:૩૦ કલાકથી ૦૧:૪૫ કલાક અને બપોરે ૦૩:૦૦ થી ૦૬:૧૫ કલાક સુધીનો રહેશે. તમામ પેટા પરીક્ષા કેન્દ્રો ભૌતિક સગવડો જેવી કે ફરજીયાત સી.સી.ટી.વી. કેમેરાની સગવડ, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા સાથે ઉપલબ્ધ છે. સદર પરીક્ષા સંદર્ભેના ૩-ઝોનલ અધિકારીઓ, ૬ - કન્ટ્રોલરૂમ સ્ટાફ, ૬૧ - ઝોન કચેરીના સ્ટાફ, ૧૩૨ - સરકારી પ્રતિનિધિઓ અને પરીક્ષા સ્થળો પર ૧૫૧ - સ્થળ સંચાલકઓની નિમણૂક કરી તાલીમ આપવામાં આવી છે. પરીક્ષા બિલ્ડિંગ ખાતે કુલ- ૨૫૪૯ કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે.
પરીક્ષા સમય દરમ્યાન સદર પરીક્ષા બિલ્ડીંગોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક, ડીજીટલ કે સ્માર્ટ ઉપકરણો અને બિન અધિકૃત સાહિત્યનો ઉપયોગ ન કરવા માટે કલેકટર વલસાડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા, ૨૦૨૩ની ૧૬૩ની કલમ હેઠળના જાહેરનામું તા. ૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધી સવારે ૯:૦૦ થી સાંજે ૧૯:૦૦ કલાક સુધી જાહેરનામા લાગુ પાડવા હુકમ કરવામાં આવ્યું છે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય લાવવા કે લઈ જવા માટે, ઝોન કચેરી ખાતે, તેમજ પ્રત્યેક પરીક્ષા બિલ્ડીંગો પર સલામતી વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જરૂરિયાત મુજબનો પોલીસ બંધોબસ્ત કરવામાં આવશે. તમામ પરીક્ષાના બિલ્ડિંગ પર તકેદારીના ભાગરૂપે સ્થાનિક સ્કૉડ તરીકે વર્ગ - ૧/૨ના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
ધો-૧૦ અને ધો-૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર હોવાથી સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા, ચિંતા, ઉન્માદ અનુભવતા હોય છે. આ પ્રકારના લક્ષણો અને મૂંઝવણ નિવારવા તેમજ વિદ્યાર્થીઓ તણાવમુકત તેમજ હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમાચિન્હરૂપ જાહેર પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિધાર્થીઓના માર્ગદર્શન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન તા.૦૩/૧૨/૨૦૨૪ થી શરૂ કરવામાં આવી છે. જે હેલ્પલાઇનમાં મનોચિકિત્સક, કાઉન્સેલર તેમજ વિવિધ વિષયોના વિષય નિષણાંત માર્ગદર્શન માટે રહેશે. કલેક્ટરના હસ્તે આત્મવિશ્વાસ હેલ્પલાઇનની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે જેની વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ છે કે, આત્મવિશ્વાસ હેલ્પલાઇનનો ઉપયોગ કરી વિદ્યાર્થીને મુંઝવતા પ્રશ્નો માટે માર્ગદર્શન મેળવી શકે છે. બોર્ડની પરીક્ષામાં આ તમામ આયોજન કરવામાં આવેલ છે જેનું યોગ્ય પાલન થાય એ માટે પરીક્ષાર્થી અને વાલીઓને ખાસ નોંધ લેવા જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે