પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર જિલ્લા કલેકટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટરએ પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ તા.27/02/2025 થી તા.17/03/2025 દરમિયાન યોજાશે. આ પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય એ માટે જિલ્લા કલેકટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન - 1 ના સભાખંડ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પરીક્ષાસ્થળો ઉપર ચૂસ્તપણે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળો સુધી આવવા-જવા માટે એસ.ટી.ની સહિતની સુવિધા અંગે જિલ્લા કલેકટર એ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવા સૂચના આપી હતી. તેમજ કલેકટરએ તમામ પરીક્ષાસ્થળો ઉપર પરીક્ષાના સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તેની કાળજી રાખવા અને ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખીને ઓઆરએસ સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવાં, એસ.ટી.ની બસો પરીક્ષા સમય દરમ્યાન ટાઈમ પર ચલાવવા અને પરીક્ષા સુચારું આયોજન પરત્વે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પરીક્ષાસ્થળોની આજુબાજુ 100 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે હેતુથી લાઉડસ્પીકર, ઝેરોક્ષ મશીનો બંધ કરવા, પરીક્ષામાં મોબાઈલ, ઈલેકટ્રોનિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધાત્મક હુકમોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તકે અધિક નિવાસી કલેકટર જે બી વદર, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાનું પૂર્વ આયોજન અંગે વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા, અને માર્ગદર્શન મેળવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya