ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.). મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓની મોટી ભીડ ઉમટતી હોય છે. જેથી ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ગુડલક સર્કલથી હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ મુકામે સફારી બાયપાસ તરફથી થઈ ગુડલક સર્કલ થઈ વેણેશ્વર થઈ તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યૂ ગૌરીકુંડ પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મૂકી માણસો દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ સદભાવના ગ્રાઉન્ડ તરફ જવાના સિમેન્ટ રોડ પર થઈ સફારી સર્કલ તરફ બહાર નીકળશે. આ મુજબ રસ્તો એકમાર્ગિય કરવા તેમજ ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામું તા.૨૭/૦૨/૨૦૨૫ ના ૦૮.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ