સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલ આજકાલ ચર્ચામાં છે. ધોરણ 12ના વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો. 30થી વધુ લક્ઝરી કારો સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો અને સ્ટાઈલબાજી કરવાને કારણે વિવાદ ઉદભવ્યો હતો. જેમાં કાર ચાલકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 19 કાર ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યાં છે.
વિદ્યાર્થીઓનો લક્ઝરીયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વીડિયો સામે આવ્યો હતો. સુરત RTO એ 19 કારચાલક ના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે. 19 કારચાલકના ડ્રાઈવિંગ લાઈસન્સ જપ્ત કરી 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. હવે આ કારચાલકો આગામી 90 દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં. જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
સુરત DEO એ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું. જેમાં સ્કૂલ દ્વારા DEO ને મૌખિક ખુલાસો કર્યો છેકે, આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો. જેની જાણ અમને હતી નહી વીડિયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે