મોડાસા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) મોડાસા ટાઉન પોલીસે ધાડ તથા લૂંટ કરવાના ઇરાદાના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા મોડાસાની ચાંદ ટેકરીના બે આરોપીઓને મોડાસાના ભેરુંડા રોડ પાસેથી દબોચી પૂછપરછમાં અગાઉ આરોપીઓએ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુ ચોરીના 12 ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું હતું.
ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના આચરીને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા ટાઉન પીઆઇ એ.બી. ચૌધરીએ આપેલી સૂચનાના ભાગરૂપે ટાઉન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્કવોડના સ્ટાફ અને પીઆઇ રાઠોડ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને ખાનગી માહિતી મળી હતી કે ટાઉન પોલીસ સ્ટેશનમાં ધાડ તથા લૂંટ કરવાના ઇરાદાના ગંભીર ગુનાના બે આરોપીઓ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા હોવાનું અને તે ચાંદ ટેકરી ભેરુંડા રોડ ઉપર આવ્યા હોવાની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને બે રીઢા ગુનેગારોને દબોચી લીધા હતા. પોલીસે આરોપી સાદિક ઉર્ફે લૂલો સફીભાઈ મુલતાની રહે. ચાંદ ટેકરી મોડાસા અને અસલમભાઈ સફીભાઈ મુલતાની રહે. ચાંદ ટેકરીની અટકાયત કરી પૂછપરછ કરતાં ચોરીના 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.
મોડાસાની ચાંદ ટેકરીના આરોપીઓને ભેરુંડા રોડ પરથી પોલીસે દબોચી લીધા
અસલમ મુલતાનીએ બે ગુના કબૂલ્યા અસલમ મુલતાનીએ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ અરવલ્લીના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢોર ચોરીના બે ગુના કર્યા હોવાનું બહાર આવ્યું હતું.
સાદિક ઉર્ફે લૂલો મુલતાનીએ ઢોર ચોરીના 10 ગુના કર્યાનું બહાર આવ્યું
પોલીસે સાદિક ઉર્ફે લૂલોની પૂછપરછ કરતાં તેણે અગાઉ મહેસાણા જિલ્લાના વિસનગર, વિજાપુર, મહેસાણા તથા સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પ્રાંતિજ અને અરવલ્લીના ધનસુરા બાયડ માલપુર મોડાસા ગ્રામ્ય અને આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢોર ચોરીના10 ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ